- એસસી-એસટી અધિનિયમના ચુકાદાનો મામલો
- સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની સમીક્ષા અરજી સ્વીકારી
- અરજી સ્વીકારી સુપ્રીમ કોર્ટે પોતાનો જ ચુકાદો પલટયો
નવી દિલ્હી : એસસી-એસટી અધિનિયમના મામલામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીનો સ્વીકાર કરતા પોતાના જ ચુકાદાને પલટયો છે. આ અરજી સુપ્રીમ કોર્ટના એ ચુકાદાના વિરોધમાં દાખલ કરવામાં આવી હતી, જેના પ્રમાણે એસસી-એસટી અત્યાચાર નિવારણ અધિનિયમની ઘણી કડક જોગવાઈઓને કમજોર કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે 20 માર્ચ-2018ના રોજ પોતાના ચુકાદામાં આગોતરા જામીનની જોગવાઈ કરીને ધરપકડ માટે દિશાનિર્દેશ જાહેર કર્યા હતા. તેને ધરપકડની જોગવાઈઓને હળવી કરવાનું માનવામાં આવ્યું હતું. તેના પછી દલિત સંગઠનોના વિરોધને જોતા કેન્દ્ર સરકારે સમીક્ષા અરજી દાખલ કરી હતી.
મંગળવારે કોર્ટના ત્રણ ન્યાયાધીશો જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ બી. આર. ગવઈની ખંડપીઠે કહ્યુ છેકે દેશમાં સમાનતા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો સંઘર્ષ હજી સમાપ્ત થયો નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ સમુદાયના લોકોને હજીપણ અસ્પૃશ્યતા, દુર્વ્યવહાર અને સામાજીક બહિષ્કારનો સામનો કરવો પડે છે.
આ મામલામાં કેન્દ્ર સરકાર પહેલા જ કોર્ટના ચુકાદા બાદ સંસદમાં એક કાયદો બનાવી ચુકી છે. જેના પ્રમાણે આગોતરા જામીનની જોગવાઈ સમાપ્ત કરી દેવામાં આવી હતી. દલિત સંગઠનોના વિરોધને જોતા સરકારે ગત વર્ષ જ સંસદ દ્વારા કોર્ટના ચુકાદાને પલટયો હતો. એસસી-એસટી સંશોધિત વિધેયક- 2018 હેઠળ મૂળ કાયદામાં કલમ-18-એને જોડતા જૂના કાયદાને ફરીથી લાગુ કરવામાં આવ્યો હતો.
આના પહેલા જ્યારે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં તાત્કાલિક ધરપકડ પર રોક અને આગોતરા જામીનને મંજૂરી આપી હતી, ત્યારે દેશભરમાં ઘણો હંગામો થયો હતો. દલિત સંગઠનો સિવાય ઘણાં રાજકીય પક્ષોએ પણ કોર્ટના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. દેશભરમાં આની વિરુદ્ધ દેખાવો પણ થયા હતા.
તે સમયે કોર્ટે કહ્યું હતું કે તે આ કાયદાની વિરુદ્ધ નથી. પરંતુ એ પણ નથી ચાહતા કે આનો ઉપયોગ નિર્દોષ લોકોને સજા આપવા માટે કરવામાં આવે.