- ભારતથી આવતી- જતી ફ્લાઇટ પર લગાવી રોક
- કોરોનાના વધતા જતા કેસોને લઇ લેવાયો નિર્ણય
- બ્રાઝીલ અને આર્જેન્ટિનાની ફ્લાઇટ પર અસ્થાયી રોક
મુંબઈ: કોરોનાવાયરસના સંક્રમણને પોતાના દેશમાં ફેલાતું રોકવા માટે સાઉદી અરબે કેટલાક દેશોની ફ્લાઈટ સર્વિસ પર પ્રતિબંધ મુક્યો છે. સાઉદી અરેબિયાએ કોરોનાવાયરસના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ભારતથી આવતી-જતી ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો છે અને સાથે સાથે બ્રાઝિલ અને આર્જેન્ટિનાના મુસાફરોની અવરજવર ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સાઉદી અરેબિયાની સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા જાહેર કરાવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના સંક્રમણને જોતા ભારત, બ્રાઝીલ અને આર્જેન્ટિનાની ફ્લાઇટ અસ્થાયીરૂપે સ્થગિત કરવામાં આવી છે.
બહોળી સંખ્યામાં રહે છે ભારતીય
જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા મુજબ, સાઉદી અરેબિયામાં કોરોનાવાયરસ સંક્રમણના 3,30,798 કેસ નોંધાયા છે. સાઉદી અરેબિયા અને યુએઈમાં બહોળી સંખ્યામાં ભારતીય રહે છે. એવામાં સાઉદી સરકારના આ નિર્ણયથી ભારતીયોને મુશ્કેલી પડી શકે છે.
કોરોના નેગેટિવ સર્ટીફિકેટ જરૂરી
નોંધપાત્ર વાત એ છે કે, યુએઈ સરકારના નિયમો મુજબ, ભારતથી મુસાફરી કરનારા મુસાફરોએ પ્રવાસના 96 કલાક પહેલા આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવું પડે છે અને તેમને કોરોના નેગેટિવ સર્ટીફિકેટ પણ રાખવું જરૂરી છે. થોડા દિવસો પહેલા એર ઈન્ડિયા એક્સપ્રેસએ કહ્યું હતું કે, દુબઇ સિવિલ એવિએશન ઓથોરિટીએ 28 ઓગસ્ટ અને 4 સપ્ટેમ્બરના રોજ એવા મુસાફરોને લાવવાના કારણે તેમની ફ્લાઇટમાં 24 કલાકનો રોક લગાવ્યો હતો.
_Devanshi