Site icon Revoi.in

‘સસુરાલ સિમર કા’ ફેમ આશિષ રોયનું 55 વર્ષની વયે નિધન,કિડનીની બીમારીથી હતા પરેશાન

Social Share

મુંબઈ: ટીવી જગતના મશહૂર અભિનેતા આશિષ રોયનું મુંબઈમાં નિધન થયું છે. મંગળવારે સવારે લગભગ 4 વાગ્યે 55 વર્ષીય અભિનેતાએ પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા હતા. કિડની ફેઇલ થવાના કારણે આશિષ રોયનું નિધન થયું હતું. આશિષ લાંબા સમયથી કિડનીની બિમારી સામે લડી રહ્યા હતા. તેની આર્થિક સ્થિતિ પણ સારી ન હતી. તેણે સોશિયલ મીડિયા પર મદદની પણ વિનંતી કરી હતી.

આ દુખદ સમાચાર વિશે માહિતી આપતા સિન્ટાના વરિષ્ઠ જોઇન્ટ સેક્રેટરી અમિત બહલે જણાવ્યું હતું કે ‘આશિષ રોયનું તેમના ઘરે નિધન થયું છે. ડિરેક્ટર અરવિંદ બબ્બલે મને ફોન પર જાણ કરી હતી.

આશિષ રોયે આ વર્ષે મે મહિનામાં ફેસબુક પોસ્ટ દ્વારા ઇન્ડસ્ટ્રી અને અન્ય લોકો પાસે આર્થિક મદદ માંગી હતી. તેઓને પૈસાની ખુબ જ જરૂર હતી. જાન્યુઆરી 2020 માં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આશિષ રોયની તબિયત દિનપ્રતિદિન કથળી રહી હતી, જેના કારણે તેણે સોશિયલ મીડિયા પર ભગવાન પાસે મોત માંગી હતી. આશિષે ફેસબુક પર પોસ્ટ કર્યું હતું કે, સવારની કોફી ખાંડ વગરની. આ સ્મિત મજબૂરીમાં છે .. ભગવાન લઇ લે મને.. થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં આશિષે જણાવ્યું હતું કે, તેને વર્ષ 2019માં લકવો થઇ ગયો હતો. જે બાદ તે ઠીક થઇ ગયા પણ તેને કામ મળતું ન હતું. કામ ન મળવાને કારણે તેની જમા પૂંજીનાં દમ પર ઘર ચાલતું હતું, પણ ધીમે ધીમે તે જમા પૂંજી પણ ખત્મ થઇ ગઇ હતી.

એક ઇન્ટરવ્યુમાં આશિષે કહ્યું હતું કે ‘હું એકલો છું. આને કારણે સમસ્યાતોઓ તો છે જ. મેં લગ્ન કર્યા નથી. જીવન સરળ નથી.તેમણે ‘સસુરલ સિમર કા’, ‘બનેગી અપની બાત’, ‘વ્યોમકેશ બક્ષી’, ‘બા બહુ ઓર બેબી’, ‘મેરે અંગને મેં’ અને ‘કુછ રંગ પ્યાર એસે ભી’ સહિત ડઝનેક સિરીયલોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત આશિષ રોય ડબિંગ આર્ટીસ્ટ પણ હતા. તેણે ઘણી હોલીવુડ ફિલ્મોમાં પણ પોતાનો અવાજ આપ્યો છે, જેમાં ‘સુપરમેન રીટર્નસ’, ‘ધ ડાર્ક નાઈટ’, ‘ગાર્જિયન્સ ઓફ ધ ગેલેક્સી’ અને ‘ધ લિજેન્ડ ઓફ ટાર્જન’ છે.

_DEVANSHI