મુંબઈ: લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલે દેશમાં ફરીથી મોદી સરકાર બનવાનું અનુમાન લગાવ્યું છે, તો શેરબજારમાં પણ સ્થિર સરકારની શક્યતાઓ વચ્ચે તેજી જોવા મળી હતી. શિવસેનાએ મુંબઈની સ્ટોક માર્કેટને એક જાદૂનગરી ગણાવીને કહ્યું છે કે આપણા વિશાળ દેશમાં આવા પ્રકારની મોજમસ્તી થતી રહે છે. હાલ પણ આવી મસ્તી થઈ. તેને જોઈને નરેન્દ્ર મોદી પણ ખડખડાટ હસ્યા હશે. લોકસભા ચૂંટણીમાં ભાજપને ત્રણસોથી વધારે બેઠકોની ભવિષ્યવાણીથી શેરબજાર જરૂરથી ઉછળા મારવા લાગ્યુ છે, પરંતુ તેનાથી ગરીબોને શું મળી રહ્યું છે…
શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં સવાલ ઉઠાવતા કહેવામાં આવ્યું છે કે આવશે મોદી જ- આ પ્રકારના ભરોસાથી રોકાણકારોમાં કમાલનો ઉત્સાહ જોવા મળ્યો અને ઘણી મોટી કંપનીઓના શેરના ભાવ પણ વધી ગયા. આનાથી મુઠ્ઠીભર લોકોએ મળીને 5.33 લાખ કરોડની કમાણી કરી. શેરબજારમાં જ્યારે તેજીની લહેર ઉઠી રહી હતી, તે વખતે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાને કારણે મોંઘવારીની તેજી ઉછળવાનો ભય પેદા થઈ ગયો છે. અમૂલ દૂધના ભાવ પણ બે રૂપિયા વધ્યા છે. મતલબ શેરબજાની તેજીનો લાભ દેશની ગરીબ જનતાને મળ્યો નથી. મહારાષ્ટ્રમાં ભીષણ દુકાળ પડયો છે અને સરકાર અરજદારની જેમ દિલ્હીના ઉંબરે ઉભી છે. પરંતુ ગઈકાલની તેજીની લહેરમાં જે લોકોએ કરોડાની કમાણી કરી, તેનો દુકાળના નિવારણ માટે શું ફાયદો થયો.
શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં નિશાન સાધવામાં આવ્યું છે કે કેટલાક લોકો બેંકોને ડૂબાડી ભાગી ગયા છે, તો અનેક લોકોએ કમાણી સહીત ખુશી-ખુશી દેશ છોડયો છે. આ તસવીર સારી નથી. દેશમાં બેરોજગારીનો પહાડ વધી રહ્યો છે. તેમ છતાં પણ યુવાવર્ગ અને મહિલાઓએ મોટા પ્રમાણમાં મોદીને ટેકો આપવામાં એક વિશ્વાસથી મતદાન કર્યું, તેના કારણે શેરબજાર તેજીથી ઉછળી ગયું. બજારમાં આવેલી તેજીની હવા નવી સરકારના આર્થિક સુધારાની નીતિઓ પર નિર્ભર હશે.
એનડીએ ફરીથી સત્તામાં આવી રહ્યું છે. અર્થવ્યવસ્થાને મજબૂતાઈ જોઈએ. કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં કરવામાં આવેલી જોગવાઈ આના માટે મહત્વપૂર્ણ હોય છે. શિવસેનાના મુખપત્રના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે વધારા-ઘટાડાની રાજનીતિ હાલના દિવસોમાં સત્તા સ્થાપિત કરવા માટે ચાલુ છે. શિવસેનાના તંત્રીલેખનો અર્ક એ છે કે એક્ઝિટ પોલે શેરબજારને તેજી આપી છે અને લોકોએ કરોડોમાં કમાણી કરી છે. પરંતુ સામાન્ય લોકો માટે કંઈપણ બદલાયું નથી, અથવા તો પછી આનાથી દુકાળ પ્રભાવિત ક્ષેત્રોને પણ કેટલોક ફાયદો થશે.
શિવસેનાનું કહેવું છે કે અમીર વધુ અમીર થઈ રહ્યા છે અને કિંમતો વધી રહી છે. જે સીધી આમ આદમીને અસર કરે છે. સામનાના તંત્રીલેખમાં બેરોજગારી પર ઘેરી ચિંતા વ્યક્ત કરતા તેને ઉચ્ચસ્તર પર જણાવવામાં આવી છે. ની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હવે દુકાળ પ્રભાવિત ક્ષેત્રો, શિક્ષણ, આરોગ્ય અને સંરક્ષણ પર વધારે ધ્યાન આપવાનું સૂચન છે.