નવી દિલ્હી : ડોલરના મુકાબલે રૂપિયામાં સોમવારે જોરદાર ઉછાળો આવ્યો છે. રૂપિયો 73 પૈસાની મજબૂતાઈ સાથે 69.49 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યા બાદ 69.43 રૂપિયા પ્રતિ ડોલર પર સ્થિર હતો. જ્યારે શરૂઆતના કારોબાર દરમિયાન રૂપિયો પાછલા સત્રના મુકાબલે 86 પૈસાની બઢત બનાવતા 69.36 રૂપિયા પ્રતિ ડોલર સુધી ઉછળ્યો હતો. ગત સત્રમાં રૂપિયો ડોલરના મુકાબલે 70.22 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો.
કમોડિટી બજાર વિશ્લેષક જણાવે છે કે લોકસભા ચૂંટણી 2019ના સાતમા અને આખરી તબક્કાનું મતદાન રવિવારે સમાપ્ત થયું હતું. બાદમાં ચૂંટણી પરિણામોને લઈને એક્ઝિટ પોલ્સને કારણે કારોબારી વલણ મજબૂત થયા છે. માટે દેશી કરન્સી રૂપિયામાં મજબૂતાઈ આવી છે. મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં ભાજપની આગેવાનીમાં એનડીએને પૂર્ણ બહુમતી મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
શેર બજારમાં પણ સોમવારે તેજી જોવા મળી છે. મુખ્ય સૂચકાંક સેન્સેક્સ સવારે 9-41 વાગ્યે 725.18 અંકોની મજબૂતાઈ સાથે 38655.95 પર અને નિફ્ટી પણ લગભગ તે સમયે 208.55 અંકોની બઢત સાથે 11615.70 પર કારોબાર કરતા જોવા મળ્યા હતા.