નવી દિલ્હી: યુપી અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એન. ડી. તિવારીના પુત્ર રોહિત શેખર તિવારી હત્યાકાંડનો મામલો આખરે દિલ્હી પોલીસે ઉકેલી લીધો છે. બુધવારે દિલ્હી પોલીસે રોહિતની પત્ની અપૂર્વા તિવારીની ધરપકડ કરી છે. પોલીસ રિપોર્ટ્સ મુજબ, રોહિત શેખર તિવારની પત્ની અપૂર્વા તિવારીએ જ તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. સૂત્રો પ્રમાણે, અપૂર્વાએ રોહિતનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. અપૂર્વા શુક્લાની ધરપકડ બાદ દિલ્હી પોલીસ બપોરે અઢી વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે.
પોલીસ સૂત્રો મુજબ, રોહિતની પત્ની અપૂર્વા સતત પોતાના નિવેદન બદલી રહી હતી. તેનાથી તમામ શંકા તેની આસપાસ આવીને અટકી હતી. ઘટનાવાળી રાતને લઈને અપૂર્વાએ અત્યાર સુધીમાં ત્રણ અલગ-અલગ નિવેદન આપ્યા છે. તેના કારણે પોલીસને આશંકા વધુ મજબૂત થવા લાગી હતી. પોલીસ રોહિત શેખરના મોત બાદથી તેની પત્ની સહીતના ઘરના છ લોકોની પૂછપરછ કરી રહી હતી.
રોહિત શેખર તિવારી હત્યાકાંડના મામલાની તપાસ કરી રહેલી ટીમને જાણકારી મળી છે કે રોહિત શેખર તિવારી પાસે બે મોબાઈલ નંબર હતા. બંનેની કોલ ડિટેલ્સ પ્રમાણે શેખરનો એક ફોન 15મી તારીખે સાંજે સાડા છ વાગ્યે બંધ થયો હતો. તો બીજો ફોન રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ બંધ થયો હતો. જો કે તેનું કારણ ડિફેન્સ કોલોનીમાં નેટવર્ક નહીં હોવાનું પણ હોઈ શકે છે. તેના પછી સવારે એક નંબર પર 11 વાગ્યે એટલે કે 16મી એપ્રિલે એક કંપનીનો મેસેજ આવ્યો હતો, જે મોબાઈલ કંપનીનો હતો.
આ મામલામાં રોહિત શેખર તિવારીની માતા ઉજ્જવલાએ અપૂર્વા પર ઘણાં બધાં ગંભીર આરોપ લગાવ્યા છે. રોહિત શેખરની માતાનું કહેવું છે કે અપૂર્વા અને તેના પરિવારની નજર અમારી મિલ્કત પર હતી. તેના પહેલા રોહિતના મોતના ઠીક એક દિવસ પહેલા તેની માતાએ કહ્યુ હતુ કે તેમનો પુત્ર ડિપ્રેશનગ્રસ્ત છે.
રોહિત શેખર તિવારી 16મી એપ્રિલે શંકાસ્પદ સ્થિતિમાં મૃત હાલતમાં મળી આવ્ય હતો. સૂત્રોનું કહેવું છેકે રોહિણીની ફોરેન્સિક લેબોરેટરીના નિષ્ણાત પણ રવિવારે ડિફેન્સ કોલોનીમાં આવેલા રોહિત તિવારીના નિવાસ્થાને ગયા અને અપરાધના ઘટનાક્રમનું રિકંસ્ટ્રક્શન કર્યું હતું. તેમનું માનવું હતું કે ગળું દબાવતી વખતે રોહિત દ્વારા પ્રતિકાર કરવાના કોઈ પુરાવા નથી. દિલ્હી પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ રોહિત તિવારીની હત્યાનો મામલો દાખલ કર્યો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તિવારીની હત્યા ગળું દબાઈ જવાને કારણે શ્વાસ થંભવાને કારણે મોત નીપજ્યું છે.