Site icon Revoi.in

ચૂંટણીમાં હાર બાદ આરજેડીમાં બળવાના સૂર, ધારાસભ્યે માંગ્યું તેજસ્વી યાદવનું રાજીનામું

Social Share

પટના: બિહારની મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડીની મુશ્કેલીઓ લોકસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ વધતી દેખાઈ રહી છે. લોકસભા ચૂંટણીમાં આરજેડીને બિહારની 40માંથી સમ ખાવા પુરતી એક બેઠક પણ મળી નથી. તેના પછી નેતૃત્વ વિરુદ્ધ વિરોધના સૂર તેજ થવા લાગ્યા છે.

આ કડીમાં આરજેડીના એક ધારાસભ્ય મહેશ્વર યાદવે બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પદેથી લાલુ યાદવના નાના પુત્ર અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવનું રાજીનામું માંગ્યું છે. ધારાસભ્ય મહેશ્વર યાદવનું કહેવું છે કે લોકસભાની ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ તેજસ્વી યાદવે નૈતિક ધોરણે પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.

મહેશ્વર યાદવ મુઝફ્ફરપુર જિલ્લાની ગાયઘાટ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેમણે તેજસ્વી યાદવનું રાજીનામું માંગવા સિવાય આરજેડીના સુપ્રીમો લાલુ યાદવ પર પણ નિશાન સાધ્યું છે. આરજેડીના ધારાસભ્યે કહ્યુ છે કે લાલુએ પાર્ટીને પોતાની જાગીર સમજી લધી છે. મીડિયા સાથે વાતચીત કરતા મહેશ્વર યાદવે કહ્યુ છે કે તેજસ્વી યાદવે નૈતિક ધોરણે જવાબદારી લેતા વિરોધ પક્ષના નેતા તરીકે રાજીનામું આપવું જોઈએ.

મહેશ્વર યાદવ આરજેડીના પહેલા નેતા છે કે જેમણે જાહેરમાં લાલુ યાદવ અને તેજસ્વી યાદવ પર વાકપ્રહારો કર્યા છે.

આરજેડીના ધારાસભ્યે લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન માટે બાપ-દીકરાની જોડીને જવાબદાર ઠેરવી છે. તેમણે ચૂંટણી પરિણામો પર ચર્ચા માટે બોલાવવામાં આવેલી બેઠકના એક દિવસ પહેલા બળવાખોર સૂર અખત્યાર કર્યા છે. આ પહેલીવાર છે કે જ્યારે આરજેડીનો કોઈ પ્રતિનિધિ લોકસભામાં નથી. 2014માં મોદી લહેર છતાં આરજેડીને ચાર બેઠકો લોકસભામાં જીતવામાં સફળતા મળી હતી.

ભાજપના નેતૃત્વવાળા એનડીએએ 2019માં બિહારની 40 બેઠકોમાંથી 39 પર જીત પ્રાપ્ત કરી છે, જ્યારે કિશનગંજની બેઠક મહાગઠબંધનમાં આરજેડીના સાથીપક્ષ કોંગ્રેસના ફાળે ગઈ છે.