Site icon hindi.revoi.in

બ્રિટને આઈએસના આતંકી ‘જેહાદી જેક’ની નાગરિકતા કરી રદ્દ, કેનેડાએ વ્યક્ત કરી નિરાશા

Social Share

કેનેડાની સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે બ્રિટને આઈએસના આતંકવાદી જેક લેટ્સની નાગરિકતા રદ્દ કરી છે. બ્રિટનના આ નિર્ણયથી કેનેડા નિરાશ છે. કેનેડાના પબ્લિક સેફ્ટી મિનિસ્ટર રાલ્ફ ગૂડલેએ કહ્યુ છે કે બ્રિટને આ એકતરફી નિર્ણય કર્યો છે. તેની સાથે જ બ્રિટને આવું કરીને પોતાની જવાબદારીથી પીછો છોડાવવાની કોશિશ કરી છે. જેકને મીડિયામાં જેહાદી જેકના નામથી ઓળખવામાં આવે છે.

બ્રિટનના મીડિયામાં 18 ઓગસ્ટના રોજ આવેલા અહેવાલો મુજબ, જેકની બ્રિટિશ નાગરીકતા રદ્દ કરવામાં આવી છે. આ નિર્ણયની મંજૂરી બ્રિટનના તત્કાલિન વડાંપ્રધાન થેરેસા મેએ પદ છોડતા પહેલા જુલાઈની શરૂઆતમાં આપી હતી. જો કે ત્યાંના ગૃહ મંત્રાલયે આ મામલા પર કોઈ જવાબ આપ્યો નથી. ગૃહ મંત્રાલયે કહ્યું છે કે મંત્રાલય કોઈના અંગત મામલાની જાણકારી જાહેર કરતું નથી.

1995માં પેદા થયેલો જેક અબ્રાહમ લેટ્સ કેનેડિયન પિતા અને બ્રિટિશ માતાનું સંતાન છે. ઈસ્લામ અંગિકાર કર્યા બાદ તેણે બ્રિટનમાં મસ્જિદોમાં જઈને અરબી ભાષા શીખવાનું શરૂ કર્યું. મે-2014માં તે કુવૈત ચાલ્યો ગયો અને તે વર્ષે સપ્ટેમ્બરમાં ત્યાંથી તે સીરિયા ગયો. તેણે પોતાના માતાપિતાને જાણકારી આપી કે તે જોર્ડનમાં રહીને અરબી શીખી રહ્યો છે. સપ્ટેમ્બર-2016માં સન્ડે ટાઈમ્સે દાવો કર્યો કે જેક ઈસ્લામિક સ્ટેટમાં સામેલ થઈને આતંકવાદ ફેલાવી રહ્યો છે. જો કે જેક અને તેના પરિવારજનોએ આ આરોપોને ખોટા ગણાવ્યા. તેની એક ફેસબુક પોસ્ટ બાદ આ આરોપ વધુ ગંભીર બની ગયા. તેમા તેણે લખ્યું હતું કે તે બ્રિટિશ સૈનિકોના સમૂહ પર આત્મઘાતી હુમલો કરીને શહાદત મેળવવા ઈચ્છશે.

જેક પર આરોપ છે કે તે સીરિયા જઈને આઈએસમાં સામેલ થઈ ગયો અને તેણે પોતાનું નામ અબુ મોહમ્મદ રાખ્યું હતું. ત્યાં તેણે એક મહિલા સાથે લગ્ન પણ કર્યા. 2016માં તેણે એક નિવેદન જાહેર કરીને કહ્યુ કે તેને પોતાના માતાપિતાથી નફરત છે, કારણ કે તે અલ્લાહના દર્શાવેલા માર્ગ પર નથી. 2017માં રક્કાની લડાઈ બાદ તેને કુર્દ સેનાએ એરેસ્ટ કર્યો હતો. ત્યારથી તે કેદમાં છે. કેદમાં આઈટીવીને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યુ કે હું નિર્દોષ નથી. હું સજા મેળવવા મટે તૈયાર છું. પરંતુ મારી યોગ્ય રીતે ટ્રાયલ કરવામાં આવે. મને સીરિયામાં ખોટી રીતે સજા આપવામાં આવે નહીં.

9 જૂન, 2016ના રોજ જેકના માતાપિતા ઉપર ટેરર ફંડિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો. તેમના ઉપર આરોપ લગાવાયો કે તેમણે સપ્ટેમ્બર-2015થી જાન્યુઆરી-2016 વચ્ચે પોતાના પુત્રને ત્રણ વખત નાણાં મોકલવાની કોશિશ કરી હતી. તેમણે દાવો કર્યો છે કે પોલીસે તેમને આમ કરવાની મંજૂરી આપી હતી. જેનાથી જેક આઈએસના કબજામાંથી ફરાર થઈ શકે. જો કે તેમના પર કેસ ચાલ્યો અને તેમને આ આરોપને કારણે 21 જૂન-2019ના રોજ 15 માસની જેલની સજા ફટકારવામાં આવી. જેકના પિતા કેનેડિયન છે. તેવામાં જેકની પાસે યુકે અને કેનેડાની બેવડી નાગરીકતા છે. તેના કારણે કેનેડાએ આ મામલામાં દખલગીરી કરી છે અને બ્રિટને આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી છે.

આ બીજો મોકો છે કે જ્યારે બ્રિટને આઈએસમાં સામેલ થવાને કારણે પોતાના કોઈ નાગરિકની નાગરિકતાને રદ્દ કરી છે. જાન્યુઆરી-2019માં શામીમા બેગમ નામની એક યુવતીનો પાસપોર્ટ પણ આઈએસમાં તેના ભરતી થવાને કારણે રદ્દ કરવામાં આવ્યો હતો. શમીમા બાંગ્લાદેશી મૂળની હતી. જો કે બાંગ્લાદેશે શમીમા પાસે બાંગ્લાદેશી નાગરિકતા હોવાનો ઈન્કાર કર્યો હતો.

Exit mobile version