Site icon hindi.revoi.in

કોંગ્રેસ કાર્યાલયની સામે વાયુસેનાધ્યક્ષે તેનાત કર્યું ‘રફાલ’!

Social Share

નવી દિલ્હી: રફાલ યુદ્ધવિમાન, આ એ શબ્દો છે કે જેનો ઉપયોગ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આખા ચૂંટણી અભિયાન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધવા માટે કર્યો હતો. દરેક લોકો હવે રફાલને ઓળખી ચુક્યા છે. ત્યારે દિલ્હી ખાતે કોંગ્રેસના મુખ્યમથકની સામે હવે રફાલ યુદ્ધવિમાનની પ્રતિકૃતિ લગાવવામાં આવી છે.

દિલ્હીમાં 24 અકબર રોડ પર કોંગ્રસ પાર્ટીનું મુખ્યમથક છે. તેની પાસે જ હાલના વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ બી. એસ. ધનોઆનું નિવાસસ્થાન છે. હવે તેમના નિવાસસ્થાનની બહાર જ રફાલ યુદ્ધવિમાનની પ્રતિકૃતિ લગાવવામાં આવી છે. જે હાલના સમયમાં દિલ્હીવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. ન્યૂઝ એજન્સી ANIએ તેની તસવીર પણ જાહેર કરી છે.

કેટલાક દિવસ પહેલા જ એર ચીફ માર્શલ બી. એસ. ધનોઆના નેતૃત્વમાં ભારતીય વાયુસેનાએ મિગ-21 યુદ્ધવિમાનના સ્ક્વોર્ડન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તે વખતે તેમણે જ્યારે મીડિયા સાથે વાત કરી  હતી, ત્યારે તેમણે કહ્યુ હતુ કે અમે લોકો રફાલ યુદ્ધવિમાનની કાગડોળે રાહ જોઈ રહ્યા છીએ.

હાલ તેમના રફાલના વખાણ કરનારા નિવેદનની ચર્ચા થઈ રહી હતી કે રફાલ વિમાનની પ્રતિકૃતિની તસવીર સામે આવી છે. મહત્વપૂર્ણ છે કે આ વર્ષે સપ્ટેમ્બરમાં રફાલ યુદ્ધવિમાન ભારત આવવાના છે. આ પ્રતિકૃતિથી આ વાતની પણ પુષ્ટિ થઈ છે કે ભારત સરકાર આના સંદર્ભે પીછેહઠ કરવાની નથી.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ રફાલ  યુદ્ધવિમાનના સોદામાં ગોટાળાનો આરોપ લગાવ્યો હતો. તેના સંદર્ભે મોદી સરકાર બેકફૂટ પર હતી. તેને લઈને રાહુલ ગાંધી તરફથી ચોકીદાર ચોર હૈ-ના સૂત્રો પણ લગાવાયા હતા.

જો કે કોંગ્રેસને રફાલ મુદ્દા પર ચૂંટણી લડવી ભારે પડી છે, કારણ કે કોંગ્રેસને ફરી એકવાર ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડયો છે.

Exit mobile version