આરએસએસના આદ્યસરસંઘચાલક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવારે પોતાના દેહાંત પહેલા જેમના ખભા પર ઈશ્વરીય કાર્ય સમા સંગઠનનો કાર્યભાર સોંપ્યો હતો, તેમનું નામ શ્રી માધવરાવ સદાશિવરાવ ગોલવલકર હતું. જેને આપણે પ્રેમથી શ્રીગુરુજી કહીએ છીએ. ‘परंम् वैभवम नेतुमेतत्वस्वराष्ट्रं’ એટલે કે રાષ્ટ્રને પરમ વૈભવ તરફ લઈ જવા માટે રાષ્ટ્ર યજ્ઞ સમા સંઘ કાર્ય માટે સંપૂર્ણ જીવનને સમર્પિત કરનારા શ્રીગુરુજીની આજે પુણ્યતિથિ છે.
શ્રીગુરુજીનો જન્મ 19 જાન્યુઆરી- 1906ના રોજ વિજયાદશમીના દિવસે નાગપુરમાં તેમના મામાના ઘરે થયો હતો. તેમના પિતા શ્રી સદાશિવરાવ ગોલવલકર તે દિવસોમાં નાગપુરથી 70 કિલોમીટર દૂર રામટેકમાં અધ્યાપક હતા. તેમને બાળપણમાં સૌ કોઈ પ્રેમથી માધવ કહીને બોલાવતા હતા.
ડૉ. હેડગેવાર બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતિય સરસંઘચાલક તરીકે ગુરુજીએ 33 વર્ષ સુધી સંઘ કાર્ય કર્યું અને તેના વિચારોની માવજત કરી હતી. સંઘ કાર્યની ખ્યાતિ માત્ર ભારતમાં નહીં હવે આખા વિશ્વમાં ફેલાઈ ચુકી છે. સંઘ કાર્ય કરતા શ્રીગુરુજી પોતાના ઉદબોધનોમાં મોટાભાગે કહેતા હતા કે જો દેશના માત્ર ત્રણ ટકા લોકો પણ સમર્પિત થઈને દેશની સેવા કરે તો દેશની ઘણી બધી સમસ્યાઓ આપોઆપ સમાપ્ત થઈ જશે.
રાષ્ટ્રાય સ્વાહા, ઈદં રાષ્ટ્રાય ઈદં ન મમ- ના ભાવથી રાષ્ટ્રયજ્ઞના ઋત્વિજ એવા શ્રીગુરુજી 1970થી કેન્સરથી પીડિત હતા. તેમનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ તેમને સારું થયું ન હતું. તેઓ સતત પ્રવાસ કરતા રહ્યા. પોતાના સમસ્ત કાર્યોનું સંપાદન કરીને શ્રીગુરુજીએ 5 જૂન-1973ની રાત્રિએ દેહત્યાગ કર્યો હતો.
શ્રીગુરુજીના વિચારો પણ હાલ તેમના વ્યક્તિત્વની ખોટ પુરી કરી રહ્યા છે. શ્રીગુરુજીને તેમની પુણ્યતિથિએ સાચી શ્રદ્ધાંજલિ તેમના વિચારોને માર્ગદર્શક બનાવવામાં છે. આવા કેટલાક વિચારોને ફરી એકવાર યાદ કરીએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને શ્રીગુરુજીને એકબીજાથી અલગ કરી શકાય તેમ નથી. તેથી તેને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રત્યેના દુનિયાના બદલાતા દ્રષ્ટિકોણ વચ્ચે યાદ કરવાનો પ્રયાસ કરીશું.
દુનિયામાં વિચારધારા પેદા થાય તે પહેલા તેને મારી નાખવાની ચેષ્ટા બહુ ઓછી થાય છે. પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્વરૂપે શરૂ થયેલા એક આંદોલનને તેના પ્રારંભકાળથી મૃત્યુશૈયા પર સુવડાવી દેવાની ચેષ્ટા અનેક મોટા નેતાઓ અને ચિંતકો દ્વારા થઈ છે, પણ આજે 90 વર્ષ બાદ પણ આ વિચારધારા મરવાનું તો બાજુ પર રહ્યું, પણ આજે પોતાના દમ પર હિંદુ સમાજને સંગઠિત કરીને અડીખમ ઉભી છે. 1925ની વિજ્યાદશમીના દિવસે નાગપુરમાં ડૉ. કેશવરામ બલિરામ હેડગેવાર દ્વારા રાષ્ટ્ર આરાધન માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામના સંગઠનનું બીજારોપણ કરવામાં આવ્યું હતું. તેની સ્થાપના સાથે જ કહેવાતા મોટામોટા વિચારકો, ચિંતકો, નેતાઓ અને સમાજના અગ્રગણ્ય સ્વનામધન્ય વ્યક્તિઓએ તેને ભારે અન્યાય કર્યો છે. કોઈપણ વિચાર કે વિચારધારાને તેની સમગ્રતામાં સમજ્યા વગર કરવામાં આવતા હુમલા કેવા હોય, તે આરએસએસ સાથે કરતા કહેવાતા બૈધ્ધિકોના વ્યવહારથી ધ્યાનમાં આવે છે. આ એક એવું સંગઠન છે કે જે તેના ઉદેશ્ય માટે વિચારનું અંકુરણ હતું, છતાં વિચારબધ્ધ થતાં પહેલા સંગઠનબધ્ધ બન્યું હતું.
33 વર્ષ સુધી સરસંઘચાલક પદે રહેલા આરએસએસના દ્વિતિય સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકરે સંઘની વિચારધારાને વિચારબધ્ધ કરી હતી. જો કે સંઘને થોડુ-ઘણું જાણવાનો મોકો મળ્યો તે પરથી લાગે છે કે આરએસએસ સામે કરવામાં આવતી ટીકાઓને સંઘ સહન કરતો આવ્યો છે અને ભવિષ્યમાં પણ તે આ પ્રકારે ચિંતકો અને લેખકોની ટીકા-ટીપ્પણીઓને આવકારશે કારણ કે આરએસએસના અત્યાર સુધીના નેતાઓના વલણ દર્શાવે છે કે તેમનામાં ચિંતનાત્મક સહિષ્ણુતા હંમેશા રહી છે અને આગળ પણ રહેશે.
એમ.એસ ગોલવલકરે આરએસએસની વિચારધારાને લીપિબધ્ધ કરવા માટે અનેક વક્તવ્યો, બંચ ઓફ થોટ્સ નામનું પુસ્તક, અનેક લેખો અને પત્રકારો તથા અન્ય મહાનુભાવો સાથે કરેલી વાતચીત દ્વારા તમામ દર્શનને સ્પષ્ટતા, નિડરતા અને અસંદિગ્ધાપૂર્વક સમગ્ર દેશ અને સમાજ સામે મૂક્યું છે. આ વિચારોની સમગ્રતાનું સંપૂર્ણપણે ચિંતન કરીને તેને પચાવનારા લોકો માટે તે કોઈ ફાસિસ્ટ, મુસ્લિમ કે ખ્રિસ્તી વિરોધી કે અન્ય કોઈપણ બાબતનું વિરોધી નથી. એવા અસંખ્ય લોકો અને સ્વયંસેવકો છે કે જેમના માટે ગોલવલકરના વિચારો પૂર્ણત્ રાષ્ટ્રીય વિચારો છે.
આ વિચારો સંદર્ભે ચર્ચા કરતાં પહેલા એક ગંભીર ચેતવણી કે રાષ્ટ્રપ્રેમી વિચારો અને દ્રષ્ટિકોણ, રાષ્ટ્રને અને તેના હિતને નુકસાન પહોંચાડનારા રાષ્ટ્રવિરોધી તત્વો માટે અનુકૂળ નથી. માટે તેમણે તેમની પક્ષપાતી દ્રષ્ટિ સહિત તેનાથી દૂર રહેવું હિતાવહ છે. તેમ છતાં તેનો અર્થ એ બિલકુલ નથી કે તે કોઈના વિરુધ્ધમાં કે કોઈ પ્રતિક્રિયામાંથી પેદા થયા છે.
એકતા માટે સમરસતા જરૂરી
એમ. એસ ગોલવલકરે મધરલેન્ડના સંપાદક સાથેની વાતચીતમાં એકતા માટે સમરસતાની આવશ્યકતા હોવાનું જણાવતા કહ્યું છે કે “ભારતમાં સદૈવ અગણિત વિવિધતાઓ રહી છે, તેમ છતાં આપણું રાષ્ટ્ર ઘણાં લાંબા સમય સુધી અત્યંત સમર્થ અને સંગઠિત રહ્યું છે. એકતા માટે એકરૂપતા નહીં, પણ સમરસતાની જરૂર છે.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-107) તેમના મત પ્રમાણે, જ્યાં સુધી અલગ અસ્તિત્વ રાષ્ટ્રભક્તિની ભાવનાથી દૂર થવાનું કારણ ન બને, ત્યાં સુધી કોઈ વર્ગ, જાતિ કે સંપ્રદાય તેનું અસ્તિત્વ ટકાવી રાખે તેમાં જરાય વાંધો નથી. પોતાને ધર્મનિરપેક્ષ કહેવડાવનારા લોકો સુધ્ધા મુસલમાનોને અલગ જમાત માનીને ચાલે છે. તેમની મતબેંક બનાવવા માટે તેમને ખુશ કરવાની રીત અપનાવી છે. તુષ્ટિકરણ કરનારાઓ અને એકરૂપતા ઈચ્છનારાઓમાં કોઈ મૌલિક તફાવત નથી. બંને મુસલમાનોને અલગ અને મેળ વગરના ગણે છે. મુસ્લિમો આ દેશ અને તેની સંસ્કૃતિને પ્રેમ કરતાં હોય ત્યાં સુધી તેમની જીવનપધ્ધતિ પ્રમાણે ચાલે તે આવકાર્ય છે. (શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-108)
મુસ્લિમોને રાષ્ટ્રીયતાના પ્રવાહમાં સામેલ થવા હાકલ
વરિષ્ઠ પત્રકાર ખુશવંતસિંહ સાથેની મુલાકાતમાં ગોલવલકરે હિંદુ અને મુસલમાનને સરખાં ગુનેગાર ગણાવીને જણાવ્યું હતું કે “ભારત અને પાકિસ્તાન પ્રત્યે મુસલમાનોની બેવડી નિષ્ઠા પ્રત્યેના કારણો ઐતિહાસિક હોવા પાછળ રંજ માત્ર પણ શંકા નથી. તેના માટે હિંદુ અને મુસલમાનો સરખા ગુનેગાર છે. ભાગલા બાદ તેમની ઉપર આવેલી મુસીબતો અને પેદા થયેલી અસલામતીની ભાવના પણ એક કારણ છે, તેમ છતાં કેટલાંક લોકોની ભૂલને કારણે સંપૂર્ણ સમાજને જવાબદાર ઠેરવી શકાય નહીં.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃ્ષ્ઠ ક્રમાંક-110) તેમણે સ્નેહથી મુસ્લિમોની નિષ્ઠા પર વિજય પ્રાપ્ત કરવાની નીતિને તેમની તરફની સાચી નીતિ ગણાવી છે. તેમણે મુસલમાનોને ભારતીયતાના પ્રવાહમાં ભળી જવા માટે આહવાન કર્યું છે. (શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-110)
તેમના મતે, હિંદુ ધર્મની આસ્થા રહી છે કે દરેક જણ જે માર્ગે પ્રામાણિકતાથી ઈશ્વર ઉપાસના કરવા ઈચ્છે તે માર્ગથી ઈશ્ર્વર તેનો સ્વીકાર કરશે.તેથી ધર્મ કોઈ મુદ્દો નથી.ઝઘડો સ્વાર્થને કારણે છે.આપણી પરંપરા અનેક પંથ, અનેક ગ્રંથ અને અનેક નામ ધરાવે છે, તો બીજા સાથે કેવી રીતે એકતા નિર્માણ કરી શકીશું? પરંતુ આવી રીતે એકતા નિર્માણ કરવાના પ્રયત્નો કોઈ કરે તો, તેને સાંપ્રદાયિક ગણવામાં આવે છે. કોઈ પોતાની રાજકીય સંસ્થાનું અભિમાન રાખે તો, તે હીન નથી ગણાતો પણ કોઈ પાંચ હજાર વર્ષની પ્રાચીન સભ્યતાનું અભિમાન રાખે, તો તેને હીન ગણવામાં આવે છે.એવું અભિમાન કરવામાં બીજાનું અહિત થતું હોય, તો તે ત્યાજ્ય છે. પણ કોઈ કહે કે અમે હિંદુઓના હિતનું કામ કરવા માગીએ છીએ, તો એમાં ખોટું શું છે? (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-124)
ઉપાસના પદ્ધતિઓ અને હિંદુત્વ
પાંચજન્યના તત્કાલિન તંત્રી સાથેની વાતચીતમાં ગોલવલકરે ઉપાસના પધ્ધતિ તરફ હિંદુત્વના અભિગમ સંદર્ભે જણાવ્યું હતું કે “હિંદુઓના આધ્યાત્મિક જીવનનો નિષ્કર્ષ છે કે ભગવાન સુધી પહોંચવાના અનેક માર્ગ છે,જે માર્ગ જેને પસંદ હોય તે જ એને માટે અનુકૂળ અને શ્રેષ્ઠ છે. તેથી હિંદુ સમાજે પોતાની અંતર્ગત અને બહાર પણ મનચાહી રીતે ઉપાસના કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે, ભવિષ્યમાં પણ આપશે.”.(શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-100)
હિંદુ-મુસ્લિમને વિરોધી જૂથ ગણાવાથી મુશ્કેલી
ન્યૂયોર્ક ટાઈમ્સના સંવાદદાતા લુક્સ સાથેની વાતચીતમાં ગોલવલકરે હિંદુ-મુસ્લિમને બે વિરોધી જૂથ તરીકે જોવામાં આવે છે, તેને જ મુશ્કેલી ગણાવી હતી. તેમણે કહ્યું છે કે “છેલ્લા દોઢસો વર્ષથી એવો સિધ્ધાંત નિર્માણ કરવામાં આવ્યો છે કે તેઓ એક બનીને રહી શકે તેમ નથી. પણ મને વિશ્ર્વાસ છે કે અમે ખૂબ સારી રીતે સાથે રહી શકીએ તેમ છીએ. ઉપરોક્ત અશુધ્ધ વિચાર આપણે છોડવો પડશે અને આપણે સૌ એક જ રાજ્યના નાગરિકો છીએ એવા શુધ્ધ અને સરળ દ્રષ્ટિકોણને અપનાવવો પડશે. કોઈને કોઈ વિશિષ્ટ સગવડો નહીં મળે, તે વૈચારિક દ્રષ્ટિ અપનાવવામાં આવે તો કોઈ મુશ્કેલી નહીં નડે.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-86,87) તેમણે સંઘ ઈસ્લામ વિરોધી ન હોવાનું જણાવતા કહ્યું છે કે “અમે ઈસ્લામ પંથના વિરોધી નથી. હિંદુ ખૂબ ઉદાર છે. તેમનામાં વૈદિક અને અવૈદિક વગેરે સૌને માટે સ્થાન છે. અમારો વિરોધ આ દેશના મુસલમાનોની મનોવૃતિ સામે છે. કોઈ ત્રીજું પરિબળ સામે ન આવ્યું હોત તો અમે બહુ સારી રીતે આ સમસ્યાને ઉકેલી હોત.અન્ય પંથોની જેમ જ મુસલમાનો પણ હિંદુ ધર્મમાં એવું જ સ્થાન પ્રાપ્ત કરી શકે છે.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-87)
બિનહિંદુઓ પ્રત્યે ધૃણાના આક્ષેપોને રદિયો
બિનહિંદુઓ પ્રત્યે ધૃણાના આક્ષેપોને નકારતા ગોલવલકરે કહ્યું છે કે “આ તો સૌથી કમનસીબ આક્ષેપ છે. આ પ્રશ્નના જવાબમાં એટલું જ કહેવું પૂરતુ છે કે અમે આપણી ઉજ્જવળ સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માગીએ છીએ. જેમાં તલભાર પણ ધૃણા નથી. અમે કોઈપણ જનસમુદાયની ધૃણા કરતાં નથી.”(શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-4) તેમણે ધૃણાને નકારાત્મક પ્રતિક્રિયા ગણાવીને કહ્યું છે કે “શત્રુ અને તેના ધૃણાજનક કામનો સતત વિચાર કરવાથી આપણા લોકો અને સંસ્કૃતિ પ્રત્યેનો હકારાત્મક સ્નેહ નષ્ટ થાય તો સ્વાભાવિક છે. તેથી જ આપણા લોકો દેશભક્તિના નામે બ્રિટિશ વિરોધી કે મુસ્લિમ વિરોધી બની રહ્યાં છે.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-18)
પાકિસ્તાનનો આધાર ભારત સામેની ધૃણા
પાકિસ્તાન સંદર્ભે ગોલવલકરે કહ્યું છે કે “પાકિસ્તાનના અસ્તિત્વનો આધાર જ ભારત પ્રત્યેની ધૃણા છે. તેથી પાકિસ્તાન માટે ધૃણા અનિવાર્ય છે. તે સિવાય તેનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-25) ગોલવલકરના મતે દેશ અખંડ બનશે તો મુસલમાનોની સમસ્યા ઉકેલાશે. તેમના કહ્યું છે કે ” વિભાજન તર્કહીન છે. તે ખતમ થવું જોઈએ. તેનાથી મુસલમાનોની સમસ્યા ઉકેલાશે. ભાગલાથી આ સમસ્યા ઉકલી નથી, ઊલટી વધારે તીવ્ર બની છે.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-25)
હિંદુ શબ્દ સંપ્રદાયવાચક નથી
હિંદુ શબ્દ સંદર્ભે ગોલવલકરે કહ્યું છે કે “હિંદુ શબ્દ સાંપ્રદાયવાચક નથી. તેમ છતાં ઘણું ખરું લોકો હિંદુ રિલિજ્યન શબ્દ વાપરે છે, જે ખોટો શબ્દપ્રયોગ છે. હિંદુ રાષ્ટ્રીયતાનો બોધ કરે છે. આપણી માતૃભૂમિ પ્રત્યે અસંદિગ્ધ, નિષ્કપટ ભક્તિને પ્રાથમિકતા અપાય છે. આપણા અતિ પ્રાચીન ઈતિહાસ પ્રત્યે શ્રધ્ધાનો સ્વાભાવિક અર્થ આપણા પૂર્વજો પ્રત્યે શ્રધ્ધા થાય છે. એક સુરક્ષિત વૈભવયુક્ત રાષ્ટ્રીયજીવનની સમાન આંકાક્ષા, જેમાં ઉપાસનાપધ્ધતિ ક્યાંય આડી આવતી નથી. આ બાબતોનો સંપુટ હિંદુ રાષ્ટ્ર છે.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-58)
મુસ્લિમોની અલગ રાષ્ટ્રીયતાનો તર્ક પણ નકાર્યો
તેમણે મુસ્લિમોની અલગ રાષ્ટ્રીયતાને નકારી છે. તેમણે કહ્યું છે કે “દેશના મુસ્લિમો કોઈ વિશિષ્ટ ઉપાસના પધ્ધતિ અંગિકાર કરવા માત્રથી જ પોતાના પૂર્વજોથી અલગ શી રીતે થઈ જાય છે? પોતાની ભાષાનું જ્ઞાન ભૂલી જવાની જરૂર શા માટે માને છે? વિદેશી ભાષા અને લીપિ અપનાવવાનો દુરાગ્રહ શા માટે રાખે છે? આ સંદર્ભે તર્ક શુધ્ધ્ અભિગમ અપનાવવાથી કોઈ સમસ્યા રહેશે નહીં. અસંખ્ય મતમતાંતરો છતાં આજે પણ આપણે એક રાષ્ટ્ર છીએ. રાષ્ટ્રીયતાની આ પુરાતન ધારા આજે પણ અવિરત વહી રહી છે. આ રાષ્ટ્રીયતા જ છે. તેમના મતે રાજકીય ક્ષેત્રમાં જે પંથનિરપેક્ષતાનો ઉદઘોષ થઈ રહ્યો છે, તેનો અર્થ ધર્મનો વિરોધ નહીં પણ તમામ ધર્મો પ્રત્યે આદર અને સન્માનની ભાવના ધરાવવી છે. આ હિંદુતાની સંકલ્પના છે.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-59) તેમણે બિનહિંદુઓ માટે કહ્યું છે કે “તેમણે પણ હિંદુઓની જેમ જ આ દેશ, તેમા વસતા લોકો, સંસ્કૃતિ, પરંપરા, ઈતિહાસ-ભૂતકાળની સ્મૃતિઓ ભવિષ્યની આંકાક્ષાઓ પ્રત્યે પોતીકાપણાની ભાવનાનો અનુભવ કરવો જોઈએ. આટલું કર્યા બાદ કોઈ કહે કે તેણે કુરાન કે બાઈબલનું ઝીણવટથી અધ્યયન કર્યું છે અને તેના હ્રદયને ઝંકૃત કરે છે, તો તેને અનુસરવાનું પગલું આવકાર્ય હશે. વ્યક્તિગત જીવનમાં તેને આ બાબતે પૂર્ણ અધિકાર છે. બાકીની તમામ બાબતોમાં તેણે રાષ્ટ્રના મુખ્ય પ્રવાહની સાથે રહેવું જોઈએ.”(શ્રીગુરુજી સમગ્ર-9, પૃ-59,60)ગોલવલકરના મત પ્રમાણે, રાષ્ટ્રીય ચેતનાનો અભાવ અને પરિણામે અલગતાવાદની વૃધ્ધિ રાષ્ટ્રીય બીમારી છે. ગોલવલકરના મત પ્રમાણે, અન્યો પર આક્રમણ કર્યા વગર પોતાના ધર્મનું પાલન કરે તે હિંદુ છે.(શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-68) મુસલમાનોને સંદેશ આપતા ગોલવલકરે કહ્યું છે કે “તેઓ આ દેશના છે અને તેમની નસોમાં એક જ રક્ત વહી રહ્યું છે. તેઓ ન તો અરબી છે, ન તો તુર્કી છે કે ન તો મુઘલ છે. જેમનો ધર્મ બદલાયો છે. તેવા મુસલમાનો પણ ભારતીય છે.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-69)
હિંદુસ્થાન હિંદુઓનું સૂત્ર
હિંદુસ્થાન હિંદુઓનું એ નારા સંદર્ભે ગોલવલકરે કહ્યું છે કે “હિંદુઓ માટે હિંદુસ્થાનને બાદ કરતાં વિશ્વમાં અન્ય ક્યો દેશ છે? આ વાત સાચી નથી ?તેથી અમે એટલું જ કહીએ છીએ કે હિંદુસ્થાન હિંદુઓનું છે. હિંદુસ્થાન માત્ર હિંદુઓનું છે, તેમ કહેનારા લોકો બીજા છે”.(શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-7) જો કે સંઘની ઈસ્લામ સંદર્ભે અને રાષ્ટ્રીય સંસ્કૃતિ પ્રત્યે સ્પષ્ટતા કરતાં ગોલવલકરે કહ્યું છે કે “એક સંપ્રદાય તરીકે ઈસ્લામનો સંઘમાં સમુચિત આદર થાય, પણ આપણી રાષ્ટ્રીય સંસ્કૃતિને બદલે ઈસ્લામી કે અન્ય કોઈ સંસ્કૃતિ કે પરંપરા સ્થાપવા માટે સંઘ કદાપિ તૈયાર નહીં થાય.”(શ્રીગુરુજી સમગ્ર-9, પૃ.-179) દૈનિક નવકાલના સંપાદક સાથે વાતચીતમાં ગોલવલકરે કહ્યું છે કે “લઘુમતી માટેના અધિકાર અને વિશેષાધિકારની દ્રષ્ટિથી ઈન્ટીગ્રેશનનો વિચાર ડિસઈન્ટીગ્રેશન માગી લેવા બરાબર છે. પ્રત્યેક જમાત, વર્ગ કે પ્રદેશની વિશેષતા ટકાવી રાખવાની વાત એટલી જ ઘાતક છે.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-95) તેમણે ડૉ.સૈફુદ્દીન જિલાની સાથેની વાતચીતમાં કહ્યું છે કે “અન્ય લોકોની જેમ જ તેમની યોગ્ય માગણીઓને પૂરી કરવી જોઈએ. તેમ છતાં મનમાં આવે ત્યારે વિભિન્ન પ્રકારની સુવિધાઓ અને વિશેષાધિકારોની માગણીઓને કરતાં રહેવું ન્યોયોચિત નથી.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-103) તેમણે ભારતીયકરણ સંદર્ભે કહ્યું છે કે “ભારતમાં વસતી પ્રત્યેક વ્યક્તિ પછી તે હિંદુ હોય, મુસ્લિમ હોય ,ઈસાઈ હોય કે પછી બીજી જાતિની હોય-પોતાના દેશ ભારતને વફાદાર રહેવું જોઈએ. તેઓ પોતાની પધ્ધતિ મુજબ ભગવાનની પ્રાપ્તિ માટે જે કરતાં હોય, તેમા આપણે સહકાર આપીશું. પણ રાષ્ટ્રવિરોધી બાબતો દૂર કરવા માટે જ ભારતીયકરણનું સૂ્ત્ર અપનાવ્યું છે.” (શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-138,139) દેશની કરુણ હાલતના ઉકેલ માટે ગોલવલકરે તમામ રાષ્ટ્રભક્ત પરિબળો અને તમામ રાષ્ટ્રવિરોધી તત્વોના ધ્રુવિકરણનો માર્ગ દર્શાવ્યો છે. (શ્રીગુરુજી સમગ્ર-9,પૃ.-12)
વિવિધતાઓને રાષ્ટ્રીય એકતામાં સહાયક
ગોલવલકરના મતે પચાસ પ્રકારના કાપડના ટુકડાઓને જોડી દેવાથી કાશ્મીરી શાલ નહીં, પણ ગોદડી જ બને છે. આ અલગતાની ભાવનાથી સંપૂર્ણરહિત અને સમરસ ઘટક અવયવો દ્વારા જ ભારતમાં એકાત્મતાની સુંદર શાલ પ્રાપ્ત થશે.(શ્રીગુરુજી સમગ્ર-9, પૃ.- 95) ગોલવલકરના મતે એકરૂપતા રાષ્ટ્રોના વિનાશનો સંકેત આપે છે. તેમણે કહ્યું છે કે “પ્રકૃતિ એકરૂપતાનો સ્વીકાર કરતી નથી. હું વિવિધ જીવનપધ્ધતિઓના સંરક્ષણની તરફેણ કરું છું. તેમ છતાં એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે વિવિધતાઓ રાષ્ટ્રીય એકતામાં સહાયક બને રાષ્ટ્રીય એકતામાં અવરોધક ન બને.” (શ્રીગુરુજી સમગ્ર-9, પૃ.-109)
ગોલવલકરના વિચારો રાષ્ટ્રોતેજક છે. રાષ્ટ્રીયતા સામે અરાષ્ટ્રીયતા અને રાષ્ટ્રભક્તો સામે રાષ્ટ્રવિરોધીઓ વચ્ચેના સંઘર્ષમાં રાષ્ટ્ર માટે વાંછનીય શક્તિઓનો વિજય થાય તેવી ઈચ્છા અને ભાવના સંઘની વિચારધારામાંથી પ્રતિબિંબિત થાય છે. આ બાબત ક્યાં તત્વોને સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખૂંચે છે? અને કેમ ખૂંચે છે? કોના સ્થાપિત હિતો પાર પાડવામાં સંઘનો વિરોધ કરવાથી સહયોગ મળે છે? તે સંશોધનનો વિષય છે. માટે જ કોઈપણ વિચારધારા તેની સમગ્રતાને આધારે સંપૂર્ણતાના છાયામાં ચિંતન પામે તે યોગ્ય છે.
સામ્યવાદની વિચારધારા અને વ્યવસ્થાની સરખામણી સંઘ સાથે થઈ શકે તેમ નથી. એકરૂપતાના પાયા પરની સામ્યવાદી ઈમારતની પાયાની ઈંટો વિચારધારાના ભટકાવને કારણે હલબલી ઉઠી હતી. તેવામાં ગોર્બોચોફનો ઉદય રશિયાના સામ્યવાદી શાસનના અંત અને મહાકાય દેશના વિધટનનું કારણ બન્યું છે. જ્યારે હિંદુત્વના માનવતાવાદી સર્વસમાવેશક વિચારની પાયાની ઈંટો મજબૂતીથી ગોઠવાઈ છે કે જેથી તે વર્ષોના ભારે વૈચારિક ઝંઝાવાતોનો અડગતાથી સામનો કરવા માટે સક્ષમ છે.
ઉંડા અંધારેથી પરમ તેજે-
“આપણે જેવું બનાવીએ તેવું જ આપણું ભવિષ્ય હશે. બધો આધાર આપણે શું ઈચ્છીએ છીએ અને કેટલો પ્રયત્ન કરીએ છીએ તેના પર છે-“શ્રીગુરુજી