રિલાયન્સ જીયો ઇન્ફોકોમે કોસ્ટમાં ઘટાડો કરવા અને ઓપરેટિંગ માર્જિનમાં સુધારો કરવા માટે પોતાના કર્મચારીઓની સંખ્યામાં મોટો ઘટાડો કર્યો છે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કંપનીના ઓપરેટિંગ માર્જિનમાં ઘટાડો થયો હતો. જિયોએ કોન્ટ્રાક્ટલવાળા કર્મચારીઓની સાથે જ કેટલાક પરમેનન્ટ સ્ટાફની પણ છટણી કરી છે. સૂત્રો જણાવે છે કે, કંપનીએ કન્ઝ્યુમર સાથે સંકળાયેલા ફંક્શન્સની સાથે જ સપ્લાય ચેઇન, હ્યુમન રિસોર્સિઝ, ફાઇનાન્સ, એડમિનિસ્ટ્રેશન અને નેટવર્ક જેવા એરિયામાં કર્મચારીઓની સંખ્યા ઘટાડી છે.
આ વિશે ઇટી તરફથી મોકલવામાં આવેલા પ્રશ્નોના ઉત્તરમાં જિયોના પ્રવક્તાએ કહ્યું, ‘અમે અમારા કન્ઝ્યુમર બિઝનેસને વધારી રહ્યા છીએ અને જિયો ઇન્ડસ્ટ્રીમાં પણ નેટ રિક્રૂટર બની છે. અમે કોન્ટ્રાક્ટર્સ સાથે પણ કામ કરી રહ્યા છીએ જેઓ અમારા વિવિધ પ્રોજેક્ટ્સ માટે નિર્ધારિત સમયવાળા કોન્ટ્રાક્ટ પર સ્ટાફને હાયર કરી શકે છે.’
5000ની છટણી
સૂત્રોએ જણાવ્યું કે કંપનીએ લગભગ 5000 લોકોની છટણી કરી છે. તેમાંથી આશરે 600 પરમેનન્ટ કર્મચારીઓ હતા. બાકીનો સ્ટાફ કોન્ટ્રાક્ટ પર હતો. પરંતુ તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.
મેનપાવરને સંતુલિત કરવાનો પ્રયત્ન
એક સૂત્રએ જણાવ્યું કે આની મોટી અસર કસ્ટમર્સ હાંસલ કરનારા સેગમેન્ટ પર પડી છે. મેનપાવરને સંતુલિત કરવાનો પ્રયત્ન એક ક્વાર્ટર પહેલા શરૂ થયો હતો. કંપની કોસ્ટમાં ઘટાડો કરવાનું ચાલુ રાખી શકે છે. એક અન્ય સૂત્રનું કહેવું હતું, ‘મેનેજર્સને ટીમની સાઇઝ ઓછી કરવાનું કહેવામાં આવ્યું છે. એડમિનિસ્ટ્રેશન, સપ્લાય ચેઇન, ફાઇનાન્સ અને હ્યુમન રિસોર્સિસ પર અસર પડી છે.’
15થી 20 હજાર કર્મચારીઓ
જિયોની પાસે 15000-20000 કર્મચારીઓ પેરોલ પર હોવાનું અનુમાન છે, જોકે કંપની માટે કામ કરનારા કર્મચારીઓની સંખ્યા તેનાથી ઘણી વધારે છે, પરંતુ તેઓ થર્ડ પાર્ટી કર્મચારીઓ છે. આવા કર્મચારીઓને એક સ્ટાફિંગ ફર્મ હાયર કરી શકે છે અને ફર્મને આ માટે કંપની તરફથી પેમેન્ટ મળે છે.