Site icon hindi.revoi.in

NIMCJની પાઘડીમાં વધુ એક યશકલગી, સતત ત્રીજા વર્ષે “આઉટલુક” ના બેસ્ટ કોલેજીસના નેશનલ રેન્કિંગમાં સ્થાન

Social Share

અમદાવાદ,02 સપ્ટેમ્બર, 2020: વર્ષ ૨૦૦૭માં વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા શરુ કરાયેલી મીડિયા શિક્ષણ સંસ્થા “નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ” પ્રતિવર્ષ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણના નવા શિખરો સર કરી રહી છે. સતત ત્રીજા વર્ષે “આઉટલુક” મેગેઝીન અને આઈકેર દ્વારા કરાયેલા “બેસ્ટ પ્રોફેશનલ કોલેજીસ” ના નેશનલ રેકિંગમાં સંસ્થાને સ્થાન મળ્યું છે. ગુજરાતમાંથી આ પ્રતિષ્ઠિત રેન્કિંગ મેળવનારી એન.આઈ.એમ.સી.જે. એ એકમાત્ર મીડિયા શિક્ષણ સંસ્થા છે.

આ અંગે વધુ વિગતો આપતા સંસ્થાના નિયામક ડો.શિરીષ કાશીકરે જણાવ્યું હતું કે, “ગત ત્રણ વર્ષથી સંસ્થા આ પ્રતિષ્ઠિત નેશનલ રેન્કિંગ માટેના રાષ્ટ્રીય સ્તરના માપદંડો જેવા કે વિદ્યાર્થી-શિક્ષક ગુણાંક, વિધાર્થીઓને રોજગારીની ઉપલબ્ધી, વિદ્યાર્થીઓની ફિલ્ડમાં કામ કરવાની ક્ષમતા, લેબોરેટરી, સ્ટુડીઓ, સાધનસુવિધા, સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન વગેરેની કસોટીમાંથી પસાર થઈને આ સ્થાન પ્રાપ્ત કરી રહી છે. સંસ્થા દ્વારા સ્ટાર્ટઅપ યુગમાં પૂર્વ વિદ્યાર્થીઓને મદદ કરવા ઇન્ક્યુબેશન સેન્ટર ચલાવવામાં આવે છે. આ ઉપરાંત સંસ્થાના ૧૭ જેટલા વિધાર્થીઓ પોતાના સ્ટાર્ટઅપ ચલાવી રહ્યા છે અને અન્યોને રોજગારી આપી રહ્યા છે.સંસ્થા દ્વારા લોકડાઉનના સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના વેબીનારો,સંશોધનો અને ઓનલાઈન પરીક્ષાનું સફળ આયોજન સહિતના મહત્વના પાસાઓને આ વખતના રેન્કિંગમાં વિશેષ મહત્વ અપાયું છે.”

“આ સફળતાનું શ્રેય સંસ્થાના મેનેજમેન્ટ ટીમ એન.આઈ.એમ.સી.જે. એટલે  કે પ્રાધ્યાપકો, સ્ટાફગણ ભૂતપૂર્વ વિધાર્થીઓ અને વિદ્યાર્થીઓને જાય છે જેમની આકરી મહેનતના કારણે સતત ત્રીજા વર્ષે પણ આ પરિણામ મેળવી શકાયું છે” તેમ અંતમાં ડો.કાશીકરે જણાવ્યું હતું.

(સંકેત મહેતા)

Exit mobile version