Site icon hindi.revoi.in

પ્રવાસીઓ માટે ખુશખબર! હવે સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધી ટ્રેન દોડશે

Social Share

વડોદરા: કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસન સ્થળને વેગ આપવા માટે તમામ પ્રકારની પરિવહન સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બસની સાથોસાથ સી-પ્લેનની સુવિધા ઉભી કરાઇ છે અને હવે ટ્રેન સેવા પણ શરૂ કરાશે. રૂ.691 કરોડના ખર્ચે 80 કિલોમીટરની રેલવે લાઇન અને રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવશે. વડોદરાથી ડભોઇ 30 કિલોમીટરની લાઇન, તેમજ ડભોઇથી ચાંદોદ 18 કિલોમીટરનો ટ્રેક તૈયાર થઇ ગયો છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ચાંદોદથી કેવડિયા 32 કિલોમીટરની રેલવે ટ્રેકનું કામ ચાલી રહ્યું છે. ડભોઇ અને કેવડિયા ખાતે રેલવે સ્ટેશનની બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે. ત્યારે કેન્દ્રીય રેલવે મંત્રીએ કહ્યું છે કે કેવડિયા સુધી ટ્રેન પહોંચાડવા 2 ડિસેમ્બર 2020ના અંત સુધીમાં કામ પૂર્ણ થશે.

અમદાવાદ ડિવિઝનના પી.આર.ઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે કેવડિયા સુધી ટ્રેન પહોંચવા માટેના પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વડોદરાથી સીધા કેવડિયાને જોડવા માટે 80 કિલોમીટરનો રેલવે ટ્રેક નાખવામાં આવ્યો છે. ત્રણ રેલવે સ્ટેશન બનશે. જેમાં એક કેવડિયા ખાતે રેલવે સ્ટેશનની બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે. ક્લાસવન રેલવે સ્ટેશન કેવડિયામાં નિર્મિત થશે.

નોંધનીય છે કે સી પ્લેન બાદ રેલવેનો પણ પ્રોજેક્ટ ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવશે. તેનાથી દેશના કોઇપણ ખૂણેથી આવતા પ્રવાસીઓ માટે સરળતાપૂર્વક પરિવહન સેવા ઉપલબ્ધ થશે અને તેઓ વિના વિધ્ને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચી શકશે. તેનાથી પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળશે.

(સંકેત)

Exit mobile version