- કાપડ ઉદ્યોગમાં કોરોના દરમિયાન લાગેલું મંદીનું ગ્રહણ હવે દૂર થયું
- સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં કાપડનું વેચાણ 300 ટકા વધ્યું
- વેચાણમાં ગત વર્ષની સરખામણીએ 45 ટકાનો ઉછાળો આવ્યો
સુરત: ગત વર્ષથી કાપડ ઉદ્યોગમાં જોવા મળેલી મંદી પર પાછળથી કોરોનાનું ગ્રહણ લાગ્યું અને ઉત્પાદન અને વેચાણ સાવ ઠપ્પ થઇ ગયા. આ સાથે જ અનલોક બાદ પણ લોકોએ ખરીદી કરવાનું ટાળતા અને ઘરે જ રહેતા લોકોમાં નાઇટ ડ્રેસ જેવા કપડાની જ માંગ રહેતા ઉત્પાદકો-વેપારીઓને સાવ આશા જ નહોતી કે આ વર્ષે દિવાળી-લગ્નસરાની સિઝનમાં કાપડ ઉદ્યોગમાં તેજી આવશે. પરંતુ નવરાત્રિ પહેલાથી જ ખરીદીની શરૂઆત થઇ અને ઑગસ્ટ સુધીમાં તો વેચાણમાં 300 ટકાની વૃદ્વિ જોવા મળી. જેમાં ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 45 ટકાનો ઉછાળો આવ્યો છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, અમદાવાદ, સુરત, મોરબી સહિત રાજ્યમાં રોજ અંદાજે 2.5 કરોડ મી. કાપડનો વેપાર થતો હતો, જે સમગ્ર લૉકડાઉન દરમિયાન 10 લાખ મી.નો રહી ગયો હતો. ત્યાર બાદ 15 જુલાઇથી 31 ઓગસ્ટ સુધીમાં આ આંકડો 25 લાખ મી. સુધી પહોંચી ગયો. પછી ઓક્ટો. સુધીના 3 મહિનામાં 1.4 કરોડ મી. થઇ ગયો. રાજ્યમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ દૈનિક 3.5 કરોડથી 3.75 કરોડ મી.નો છે, જે લગભગ અડધા સ્તરે આવી ગયો છે. સુરતથી જ રોજનો અંદાજે 200 ટ્રક માલ બીજા રાજ્યોમાં મોકલાઇ રહ્યો છે.
આ આંકડાઓ પર નજર કર્યા બાદ હવે લાગી રહ્યું છે કે, હવે કાપડ ઉદ્યોગ રિકવરીના માર્ગ તરફ ધમધમાટ દોડતો થયો છે. આગામી જાન્યુઆરી સુધીમાં આમાં વૃદ્વિ થવાના એંધાણ છે. લગ્નસરાની સિઝન અને શિયાળાની ઋતુ બદલાતા અને લોકો બહાર નીકળતા થયા છે તે જોતા કાપડની માંગમાં વધુ ઉછાળો આવશે તેવો આશાવાદ કાપડના વેપારીઓ તેમજ ઉત્પાદકો વ્યક્ત કરી રહ્યા છે. ઉત્પાદન અને ખરીદી વધવાને કારણે હવે જૂના પેમેન્ટ પણ ક્લિયર થતા જશે.
(સંકેત)