Site icon hindi.revoi.in

દશેરા પહેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ખુલ્લું મૂકાશે, કરાશે કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન

Social Share

વડોદરા:  વૈશ્વિક મહામારીને કારણે લોકડાઉન બાદ સ્ટેચ્યૂ ઑફ યુનિટીને 7 મહિના સુધી બંધ રાખવામાં આવ્યું હતું. હવે અનલોક બાદ 7 મહિના પછી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને ફરી પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ પ્રતિમાને પ્રવાસીઓ માટે દશેરા પહેલા ખોલવામાં આવશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના વહીવટીકર્તાઓએ આ માહિતી આપી હતી. તે ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, પરિસરમાં કોવિડ-19ની ગાઇડલાઇન્સનું કડક રીતે પાલન પણ કરવામાં આવશે.

આ અંગે જાણકારી આપતા સરદાર સરોવર નિગમ લિમિટેડના મેનેજીંગ ડાયરેક્ટર રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે અમે દશેરા પહેલા ટ્રાયલ રન માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને પરિસરમાં રહેલા અન્ય આકર્ષણના કેન્દ્રો ફરીથી ખોલવાના છીએ. અમે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પર કામ કરી રહ્યા છીએ અને મુલાકાતીઓ દ્વારા કોવિડ-19ની તમામ ગાઇડલાઇન્સનું ચુસ્ત રીતે પાલન કરાવવામાં આવશે.

તે ઉપરાંત તેમણે ઉમેર્યું હુતં કે સંક્રમણ અંકુશમાં રાખવા માટે ભીડને ટાળવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રતિ કલાકે મર્યાદિત મુલાકાતીઓને જ જવાની મંજૂરી આપવામાં આવશે.

આપને જણાવી દઇએ કે સ્ટેચ્યૂ ઑફ યુનિટીના પરિસરમાં આવેલા જંગલ સફારી અને ચિલ્ડ્રન્સ ન્યૂટ્રિશન પાર્કને ખુલ્લું મૂકી દીધું છે અને પ્રવાસીઓનો ઘસારો પણ જોવા મળી રહ્યો છે. જો કે હાલમાં કોરોના સંક્રમણને કારણે પ્રતિ કલાક માત્ર 50 પ્રવાસીઓને જ મંજૂરી આપવામાં આવી છે. 31 ઑક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતિ છે ત્યારે પીએમ મોદી 31 ઑક્ટોબરના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લે તેવી શક્યતા છે.

નોંધનીય છે કે, 2018માં લોકાર્પણ થયું તે બાદ અત્યારસુધીમાં લાખો પ્રવાસીઓ તેની મુલાકાત લઈ ચૂક્યા છે. ગયા વર્ષના નવેમ્બર મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીએ, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. નવેમ્બર, 2019માં રોજ 10 હજાર પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મુલાકાત લીધી હતી, જ્યારે સરદાર પટેલની પ્રતિમાની મુલાકાત લેનારની સંખ્યા રોજની 15,036 હતી.

(સંકેત)

Exit mobile version