Site icon hindi.revoi.in

શું ગુજરાતની શાળાઓ 21મી સપ્ટેમ્બરથી ખુલશે, જાણો શું કહ્યું શિક્ષણમંત્રીએ…

Social Share

સમગ્ર દેશમાં 21 સપ્ટેમ્બરથી ધોરણ.9 થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળા ખુલવાની જાહેરાત ભારત સરકારે કરી હતી અને દરેક રાજ્યને આ અંગે પોતાની રીતે નિર્ણય લેવા માટેની ગાઇડલાઇન હતી. આ સંદર્ભે આજે રાજ્યમાં શૈક્ષણિક કાર્યને લઇને કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જાહેરાત કરી હતી કે ગુજરાતમાં 21મી સપ્ટેમ્બરથી શાળાઓ ખુલશે નહીં.

રાજ્યમાં હજુ પણ કોરોના સંક્રમણના કેસનો વ્યાપ સતત વધી રહ્યો છે ત્યારે બાળકો સામે જોખમ ઊભું ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં 21મી સપ્ટેમ્બરથી શૈક્ષણિક કાર્ય ચાલુ ન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

ગુજરાતમાં 21 સપ્ટેમ્બર પછી ધોરણ 9 થી 12 માટે શાળાઓ નહીં ખૂલે. ભારત સરકારે અનલોક 4ની ગાઇડલાઇનમાં રાજ્યોને નિર્ણય કરવા કહ્યું હતું. જેની SOP હમણાં જાહેર થઇ છે. રાજ્યની કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શૈક્ષણિક કાર્યને રાબેતા મુજબ કરવા માટે 21મી સપ્ટેમ્બરથી શરુ કરવું કે નહીં તેને લઇને ચર્ચા વિચારણા થઇ હતી. જેમાં હાલમાં ગુજરાતમાં કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખતા શૈક્ષણિક કાર્ય ચાલુ કરવું જોખમી લાગતાં હજુ શાળાઓ ન ખોલવાનો નિર્ણય લેવાયો છે.

રાજ્યમાં હાલમાં શાળાઓ ચાલુ નહીં થાય પરંતુ વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ ચાલુ જ રહેશે. હાલ જો શાળાઓ શરૂ કરવામાં આવે તો કોરોનાના વ્યાપક સંક્રમણને કારણે બાળકો પણ કોરોના ચેપગ્રસ્ત થાય તેવી સંભાવના વધુ રહેલી છે તેથી હાલમાં સ્થિતિની ગંભીરતા જોતા શાળાઓ શરૂ ના થાય તે હિતાવહ છે.

(સંકેત)

Exit mobile version