Site icon hindi.revoi.in

સી પ્લેન આજે અમદાવાદ આવશે, રિવરફ્રન્ટથી SOU જવાની ટિકિટ 4800 રૂપિયા રહેશે

Social Share

અમદાવાદ: ગુજરાતીઓની આતુરતાનો આજે અંત આવશે. ગુજરાતીઓ જેની આતુરતાથી પ્રતિક્ષા કરી રહ્યા છે તે સી પ્લેન આજે અમદાવાદ પહોંચી જશે. ભારતનું સૌ પ્રથમ સી પ્લેન ગુજરાતીઓ સહિત વિશ્વના લોકોને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે લઇ જશે. પીએમ મોદી 31મી ઑક્ટોબરના રોજ એટલે કે સરદાર પટેલની જન્મ જયંતિ પર સી પ્લેનનું ઉદ્વાટન કરાવશે.

અગાઉ સી પ્લેન સવારે માલ્દિવ્સના મેલ ખાતેથી ટેક ઓફ કર્યું હતું. આ પછી સી પ્લેન રવિવારે બપોરે કોચીના વેન્ડુરથી પહોંચ્યું હતું. જ્યાં ઇંધણ પુરાવ્યા બાદ સી પ્લેન સાંજના ગોવા પહોંચ્યું હતું.

આપને જણાવી દઇએ કે આગામી 28 અને 29 ઑક્ટોબર દરમિયાન સી પ્લેનનું અમદાવાદ-કેવડિયા વચ્ચે ટ્રાયલ રન કરવામાં આવે તેવી સંભાવના છે. સી પ્લેન માટેના બંને પાયલટ હાલમાં વિદેશના છે. આ પાયલટ દ્વારા જ આગામી 6 મહિના માટે ઉડ્ડયન કરવામાં આવશે.

આટલું હશે ભાડું

યાત્રિકો માટે અમદાવાદથી કેવડિયાનું ભાડું 4800 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. સી પ્લેનમાં મુસાફરી માટેની ટિકિટ ખૂબ જ ખર્ચાળ હોવાથી સામાન્ય માણસ સી પ્લેનની મજા કઇ રીતે માણી શકશે તે પ્રશ્ન બધાને અકળાવશે. મલેશિયાથી રવાના થયેલા સી પ્લેન માટેના એરક્રાફ્ટમાં 6 ક્રૂ મેમ્બર્સ છે.

મહત્વનું છે કે, દેશના પ્રથમ સી-પ્લેન માટે અમદાવાદ રિવરફ્રન્ટ તથા કેવડિયા ખાતે વોટર એરોડ્રામ બનાવી દેવામાં આવ્યું છે. અમદાવાદના એરોડ્રામ માટે બે માળની કાચની ઓફિસ, ટિકિટ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત 48 મીટર લાંબી, 9 મીટર પહોળી તેમજ 1 મીટર જાડી જેટી પણ નિર્મિત કરવામાં આવી છે. 19 સીટરના સી પ્લેનમાં હાલમાં 12 મુસાફરોને બેસાડવામાં આવશે.

(સંકેત)

Exit mobile version