- કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અનુસાર દેશમાં 15 ઑક્ટોબરથી શાળા-કોલેજ ખુલશે
- ગુજરાતમાં જો કે દિવાળી બાદ શાળાઓ શરૂ કરવામાં આવશે
- ગુજરાત સરકારે ધો.9થી 12ના ઘટાડેલા અભ્યાસક્રમની યાદી કરી જાહેર
ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન પ્રમાણે દેશમાં 15મી ઑક્ટોબરથી એસઓપી સાથે શાળા અને કોલેજો ખોલવાની મંજૂરી અપાઇ છે. ત્યારે ગુજરાતમાં દિવાળી બાદ શાળાઓ શરૂ કરવામાં આવશે. તે ઉપરાંત ગુજરાત સરકારે ધોરણ 9 થી 12નાં અભ્યાસક્રમની યાદી જાહેર કરી દીધી છે.
બાળકોને શાળાએ મોકલતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખવું પડશે
1. ફેસ માસ્ક પહેરવું પડશે.
2. બે લોકો વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું પડશે.
3. ગમે ત્યાં થૂકી નહીં શકે.
4. સ્વાસ્થ્યનું જાતે ધ્યાન રાખવું પડશે.
5. જ્યાં જરૂરી હશે ત્યાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું કહેવામા આવશે.
6. થોડી-થોડીવાર પછી હાથ ધોવા પડશે.
7. હાથ ગંદા ન દેખાય તો પણ તેને ધોવા પડશે.
8. ઓનલાઈન અભ્યાસની પરવાનગી ચાલુ રહેશે, તેને પ્રોત્સાહન અપાશે.
9. બાળકો પોતાની ઈચ્છાથી જ સ્કૂલે જશે. પરંતુ વાલીઓએ લેખિતમાં સહમતી આપવી પડશે.
10. સ્પોર્ટ્સ એક્ટિવિટી અને એસેમ્બલી પર કડક પ્રતિબંધ રહેશે.
11.એસી લાગેલું હશે તો તેનું તાપમાન 24થી 30 વચ્ચે રહેશે.
12. એસીમાં હ્યુમિડિટી લેવલ 40થી 70 ટકા રાખવું.
13. કન્ટેનમેન્ટ ઝોન બહારની સ્કૂલો જ ખોલવાની પરવાનગી અપાશે.
14. સ્કૂલે જનાર વિદ્યાર્થી, શિક્ષક અને સ્ટાફે કન્ટેનમેન્ટ ઝોનમાં જવાથી બચવું પડશે.
15. જિમનો ઉપયોગ ફક્ત ગાઈડલાઈનના આધાર પર જ થઈ શકે છે, પણ સ્વીમિંગ પૂલ બંધ રહેશે.
16. શિક્ષકો, કર્મચારીઓને ફેસ માસ્ક, હેડ સેનિટાઈઝર, ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની રહેશે.
બીજી તરફ જે વાલીઓના બાળકો ધોરણ 10 અને 12માં અભ્યાસ કરે છે તેઓએ વિનંતી કરી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શિક્ષણ શરૂ કરો, જે પણ વિષય મહત્વના છે તેને ભણાવો. હાલ શાળા ખાલી છે તો એક ક્લાસમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે બાળકોને ભણાવવામાં આવે. પરંતુ કોરોના વાયરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકાર જોખમ લેવા નથી માંગતી તેવું લાગી રહ્યું છે.
ગુજરાત સરકારે ધોરણ 9થી 12ના ઘટાડેલા અભ્યાસક્રમ અંગેની યાદી જાહેર કરી દીધી છે. તમે આ લિંક https://www.gsebeservice.com/ પર ક્લિક કરીને ઘટાડેલા અભ્યાસક્રમ અંગે જાણી શકો છો. ગુજરાત સરકારે જણાવ્યું છે કે, ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં જે પ્રકરણો છે તેમાંથી જ પ્રશ્નો પૂછાશે. રદ્દ થયેલા અભ્યાસક્રમમાંથી પરીક્ષામાં કોઇ પણ પ્રશ્ન પૂછી શકાશે નહીં.
(સંકેત)