Site icon hindi.revoi.in

અમદાવાદ: સી-પ્લેન પ્રોજેક્ટ બાદ 850 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-2 લેશે આકાર

Social Share

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટમાં સી-પ્લેન પ્રોજેક્ટની સાથે હવે 850 કરોડ રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-2 પ્રોજેક્ટની જાહેરાત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. હવે રિવરફ્રન્ટને ઇન્દિરા બ્રિજ સુધી લંબાવવામાં આવશે. જેથી પૂર્વ અને પશ્વિમ અમદાવાદના નાગરિકો માટે ગાંધીનગર જવાનું સરળ બનશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ બોર્ડની બેઠકમાં રિવરફ્રન્ટ ફેઝ-2ના અમલીકરણ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે જણાવ્યું હતું કે વર્તમાન રિવરફ્રન્ટને ઇન્દિરા બ્રિજ સુધી લંબાવવાની અનેક રજૂઆતો થઇ હતી. જેને ધ્યાનમાં લઇને પ્લાનિંગ અને ડિઝાઇનિંગ કરવામાં આવ્યું છે.

રિવરફ્રન્ટ ફેઝ-2 હેઠળ નદીની બંને બાજુએ સ્ટેપિંગ પ્રોમેનાડ, રોડા નેટવર્ક, બાગ-બગીચા, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, આર્ટ એન્ડ કલ્ચર પ્રોગ્રામ માટેની જગ્યા ઉપરાંત નાગરિકોને હરવા ફરવા માટેનું ઉત્તમ સ્થળ વિકસાવાશે. રિવરફ્રન્ટ-2 માટે હાઇડ્રોલોજી અને હાઇડ્રોલીક સ્ટડીનું કામ પૂર્ણ થયું છે. તેની ચકાસણી રૂરકી સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઇડ્રોલોજી પાસે કરાવવામાં આ રહી છે.

સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2 માટે અમદાવાદ જિલ્લાનાં ચાર ગામની આશરે 72 હેક્ટર નદી પૈકીની જમીનનો આગોતરો કબજો લેવાયો છે. જ્યારે ગાંધીનગર જિલ્લાની બે નદી પૈકીની 20 હેક્ટર જમીનનો કબજો લેવાની કાર્યવાહી ચાલુ છે. આ ઉપરાંત બેરેજ કમ બ્રિજ માટે પૂર્વ છેડે કેન્ટોનમેન્ટ બોર્ડની 13 હેક્ટર જમીન મેળવવા માટે કેંદ્રીય સ્તરેથી મંજૂરી મળી ગઈ છે.

નોંધનીય છે કે, રિવરફ્રન્ટ ફેઝ-2 પ્રોજેક્ટ સાકાર થશે એટલે વાસણા આંબેડકર બ્રિજથી વાહનચાલકો ઇન્દિરા બ્રિજ મારફતે સડસડાટ ગાંધીનગર પહોંચી શકશે. આ બ્રિજના લીધે આશ્રમ રોડ સહિતના અન્ય રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટશે. રિવરફ્રન્ટ ફેઝ-2માં મોટેરા નજીક પાણીના સંગ્રહ માટે બેરેજ કમ બ્રિજ બનાવાશે, જેની મદદથી પશ્વિમ વિસ્તારના નાગરિકો સીધા એરપોર્ટ અને ગાંધીનગર જઇ શકશે.

(સંકેત)

Exit mobile version