Site icon hindi.revoi.in

રાત્રી કર્ફ્યૂ દરમિયાન અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં એસ.ટી.બસ સેવા બંધ રહેશે

Social Share

અમદાવાદ: રાજ્યમાં વકરી રહેલા કોરોના સંક્રમણ પર નિયંત્રણ માટે રાજ્ય સરકાર તરફથી અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરમાં રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી 57 કલાક માટે રાત્રી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું હતું. આ કર્ફ્યૂ પૂર્ણ થયા બાદ હજુ પણ રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે. અમદાવાદ શહેરમાં એસ.ટી. બસ સેવા પૂર્વવત કરવામાં આવી છે. જો કે રાત્રી કર્ફ્યૂ દરમિયાન ચારેય શહેરમાં એસ.ટી. બસો બંધ રાખવા અંગે જાહેરાત કરવામાં આવી છે. એટલે કે ચારેય શહેરમાં સવારના 7 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી જ એસ.ટી. બસોની સેવા ચાલુ રહેશે. ચારેય શહેરને બાદ કરતા ગુજરાતના અન્ય શહેરો અને વિસ્તારોમાં નિયમ પ્રમાણે બસ સેવા ચાલુ રહેશે.

પ્રાપ્ત વિગતો અનુસાર એસ.ટી.નિગમના સચિવ કે.ડી. દેસાઇ અનુસાર રાત્રી કર્ફ્યૂ દરમિયાન અમદાવાદથી રાત્રી દરમિયાન ઉપડતી 450 જેટલી બસ નહીં દોડે. રાજકોટથી રાત્રી દરમિયાન આવતી અને જતી 378 બસ બંધ રહેશે. વડોદરાથી રાત્રી દરમિયાન આવતી અને જતી 531 બસ નહીં દોડે. સુરતથી રાત્રી દરમિયાન આવતી-જતી 395 એસ.ટી. બસ બંધ રહેશે.

રાત્રી કર્ફ્યૂ દરમિયાન અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં એસ.ટી. ની બસોને પ્રવેશ નહીં આપવામાં આવે. જો કે, આ ચારેય શહેરની બાયપાસ સેવા શરૂ રાખવામાં આવશે. એનો મતલબ કે બીજા શહેરમાં જતી બસો બાયપાસ રોડથી શરૂ રહેશે. આ માટે ચારેય શહેરમાં એસ.ટી.વિભાગ તરફથી કેટલાક પિકઅપ પોઇન્ટ પણ નક્કી કરવામાં આવ્યા છે.

મુસાફરો માટે આ પિકઅપ પોઇન્ટ રહેશે

અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સનાથલ ચોકડી, એક્સપ્રેસ હાઇવે, અસલાલી, હાથીજણ સર્કલ, અડાલજ ચોકડી, કોબા સર્કલથી બાયપાસ જતી બસ મળશે. વડોદરમાં ડુમસ ચોકડી, કપુરાય ચોકડી, ગોલ્ડન ચોકડી, GNFC, છાણી જકાત નાકાથી બસ સેવા મળી રહેશે. સુરતમાં મરોલી ચોકડી, કડોદરા ચોકડી, કામરેજ ચોકડી, ઓલપાડ ચોકડીથી રાત્રી દરમિયાન બસ સેવા મળશે. રાજકોટમાં ગોંડલ ચોકડી, ગ્રીન લેન્ડ ચોકડી, માધાપર ચોકડી પરથી રાત્રી દરમિયાન બસ મળશે.

(સંકેત)

Exit mobile version