Site icon hindi.revoi.in

રૂપાણી સરકાર ગુજરાતના વિદ્યાર્થીઓને આપશે 12 હજાર રૂપિયાની સબસિડી, જાણો કેવી રીતે મળશે રકમ

Social Share

ગાંધીનગર: રૂપાણી સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક સહાયની યોજના જાહેર કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ધોરણ-9થી કોલેજ સુધીના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે સહાયની યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હીલર ખરીદવા માટે સરકાર 12,000 રૂપિયાની સહાય કરશે. કુલ 10,000 વાહનોને આ સહાય આપવાનો લક્ષ્યાંક છે.

રાજ્યમાં વાહનોથી થતા પ્રદૂષણને અટકાવવા અને પર્યાવરણનું જતન કરવાના ઉદ્દેશ્ય સાથે ઇલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધે તે માટે મુખ્યમંત્રીએ 12,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

આ સહાયની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રીક ટૂ-વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને રૂ.12 હજારની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રૂપાણી સરકારની આ યોજના હેઠળ ધોરણ 9 થી 12 તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. એક વિદ્યાર્થી દીઠ એક જ અરજી કરી શકાશે. આ અરજી જેડા દ્વારા અધિકૃત ઉત્પાદકોના ડીલર્સ તથા geda.gujarat.gov.in વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે.

વિદ્યાર્થીએ અરજી સાથે બોનાફાઇટ સર્ટિફિકેટ (વર્ષ 2020-21), સ્વ. પ્રમાણિત કરેલ અગાઉના વર્ષની માર્કશીટની નકલ, સ્વ પ્રમાણિત વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલ, વિદ્યાર્થીનું સક્ષમ અધિકારીએ આપેલ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ/દિવ્યાંગ, ગરીબ, અતિ ગરીબ, બિન અનામત વર્ગના આર્થિક પછાત સંબંધિત પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ (લાગુ પડતું હોય તો) અને ડ્રાઇવિંગ લાઇસન્સની સ્વ.પ્રમાણિત નકલ (ફક્ત બેટરી સંચાલિત હાઇ સ્પીડ વાહનો માટે) આપવાની રહેશે.

વિદ્યાર્થીઓ અરજીપત્રક ઉત્પાદક અને મોડેલની પસંદગી કરીને તારીખ 31 ડિસેમ્બર, 2020 સુધીમાં પસંદ કરેલ ઉત્પાદકોના ડીલર્સ, જેડા કચેરીમાં જમા કરાવવાનું રહેશે. વિદ્યાર્થી વાહનની ખરીદી કરે ત્યારબાદ આ 12,000ની સબસિડીની રકમ વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ માટે ક્યાં વાહનની ખરીદી માન્ય છે તેની વિગતો જેડાની વેબસાઇટ geda.gujarat.gov.in  પરથી મળી જશે.

(સંકેત)

Exit mobile version