
રાજ્યમાં આ તારીખે થઇ શકે છે વરસાદ: હવામાન વિભાગ
- રાજ્યમાં હાલ દક્ષિણ પશ્વિમ તરફથી પવન ફૂંકાઇ રહ્યો છે
- 16-17 જુલાઇના રોજ ભારે-અતિભારે વરસાદની આગાહી
- માછીમારોને આ દરમિયાન દરિયો ના ખેડવા સૂચના અપાઇ
રાજ્યમાં હાલમાં દક્ષિણ પશ્વિમ તરફથી પવન ફૂંકાઇ રહ્યો હોવાથી ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. આ જ કારણોસર રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઇ રહ્યો છે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત્ રહેશે. જેમાં 16 અને 17 જુલાઇના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. આગામી દિવસોમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
આગામી ત્રણ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે તેવું હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું. આગામી 16-17 જુલાઇના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.
નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમી દ્વારકા, રાજકોટ, કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સમુદ્રમાં પણ ભારે પવન અને લહેરોની ગતિ ઝડપી હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે પણે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, 15 જુલાઇથી ફરી વરસાદ થશે. 15 થી 22 જુલાઇ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ થશે. તેમાં પણ 30 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સક્રિય થશે. જેના કારણે 30 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
(સંકેત)