Site icon hindi.revoi.in

ગુજરાતમાં પણ પ્રવાસીઓ માણી શકશે ક્રૂઝની સવારી, SOU ખાતે ક્રૂઝનું પીએમ કરશે લોકાર્પણ

Social Share

નર્મદા/ગાંધીનગર:  ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વધુને વધુ વેગવંતો બનાવવા તેમજ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે ગુજરાત સરકારનો ટુરિઝમ વિભાગ સ્ટેચ્યૂ ઓફ યુનિટી બાદ અવનવા આકર્ષણો કેવડિયા કોલોની ખાતે ઉમેરી રહી છે. હવે કેવડિયા કોલોની ખાતે પ્રવાસીઓ બોટની મજા માણી શકે તે માટે ક્રૂઝ ચાલુ કરવામાં આવશે. 31મી ઑક્ટોબરના રોજ પીએમ એકતા પરેડમાં ભાગ લેશે ત્યારે તે આ ક્રૂઝનું લોકાર્પણ કરશે.

પીએમ મોદી દ્વારા 31 ઑક્ટોબરના રોજ બોટનું લોકાર્પણ કરવામાં આવશે. પ્રવાસીઓ કેવડિયાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી 6 કિલોમીટરના પાણી માર્ગે પ્રવાસ કરી શકશે. આ બોટમાં 200 થી 300 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે હાલ  કોવિડ-19ની ગાઇડલાઇન્સને કારણે એક કલાકમાં માત્ર 50 પ્રવાસીઓને જ પ્રવેશ આપવામાં આવશે. આ ક્રૂઝમાં પ્રવાસીઓ માટે જમવાની અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ક્રૂઝ બોટની ટિકિટ અંદાજે 250 થી 300 રૂપિયા સુધી નક્કી કરવામાં આવશે.

ક્રૂઝની સવારી દરમિયાન જો કોઇ દુર્ઘટના ઘટે તો તેના માટે લાઇફ જેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ બોટ ભારત ભવનથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીનો ફેરો મારશે. જે એક કલાકનો સમય લેશે. ખાસ પ્રવાસીઓના મનોરંજન માટે બોટમાં એક સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે. ટુરિઝમ વિભાગના આ આ આકર્ષણથી પ્રવાસીઓ ચોક્કસપણે આકર્ષિત થશે.

(સંકેત)

Exit mobile version