Site icon hindi.revoi.in

આયુર્વેદ દિવસ પર PM મોદી બોલ્યા, 21મી સદીનું ભારત ટુકડોમાં નહિ, પણ હોલિસ્ટીક રીતે વિચારે છે

Social Share

જામનગર: ગુજરાતમાં આજે ધનતેરસની મોટી ભેટ મળી છે. પીએમ મોદીએ જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીની ઇ-લોકાર્પણ કર્યું છે. જામનગર આયુર્વેદ યુનિવર્સિટીને તાજેતરમાં જ રાષ્ટ્રીય દરજ્જો અપાયો છે. ત્યારે આયુર્વેદ દિવસ પર ગુજરાતને સ્વાસ્થ્યને લગતો આ મોટો ઉપહાર બની રહેશે. કોરોનાના સંકટકાળમાં દુનિયા ભારતના આયુર્વેદનું મહત્વ સમજી છે. તેઓએ ઇ-લોકાર્પણ કર્યા બાદ ધનતેરસની શુભેચ્છાઓ પાઠવીને સંબોધન પણ કર્યું હતું.

આયુર્વેદ દિવસ પર પીએમ મોદીએ કહ્યું હતું કે, “ધન્વન્તરી આયુર્વેદના દેવતા ગણાય છે. આયુર્વેદની રચના તેમના આર્શીવાદથી થઇ છે. આ વર્ષનો આયુર્વેદ દિવસ ગુજરાત અને રાજસ્થાન માટે વિશેષ છે. યુવાઓ માટે પણ વિશેષ છે. આજે જામનગરમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ અને રિસર્ચ ઓફ આયુર્વેદને રાષ્ટ્રીય દરજ્જો મળ્યો છે. રાજસ્થાનની ઇન્સ્ટિટ્યૂટને પણ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે લાકોર્પણ કરાયું છે. આયુર્વેદની આ બેસ્ટ યુનિવર્સિટીઓ માટે અભિનંદન. આયુર્વેદ ભારતનો વારસો છે. જેના વિસ્તારમાં સમગ્ર માનવતાની ભલાઇ છે. આપણું પારિવારિક જ્ઞાન હવે અન્ય દેશોને પણ સમૃદ્વ કરી રહ્યું છે. બ્રાઝિલની રાષ્ટ્રીય નીતિમાં આયુર્વેદ સામેલ થયું છે. આ મામલે ભારતના અમેરિકા અને જર્મની સાથેના સંબંધો ગાઢ બની રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનની સ્થાપના માટે ભારતને પસંદ કર્યું છે. હવે ભારતમાંથી આ ક્ષેત્રે કામ થશે. આ માટે હું WHOને આભારી છું. ભારત પારંપરિક ચિકિત્સાનું સેન્ટર પર ગ્લોબલ વેલનેસનું સેન્ટર બનશે.

આયુર્વેદના મહત્વને જણાવતા તેમણે કહ્યું હતું કે, આયુર્વેદનો મોટો વારસો છે. પણ સત્ય એ પણ છે કે, આ જ્ઞાન પુસ્તકો અને દાદી-નાની નુસ્ખામાં રહ્યું છે. આ જ્ઞાનને આધુનિક સમય પ્રમાણે વિકસિત કરવું જરૂરી છે. તેથી દેશમાં પ્રથમવાર આપણી પુરાતન ચિકિત્સાના જ્ઞાનને 21મી સદીના આધુનિક વિજ્ઞાન સાથે જોડવામાં આવી રહ્યું છે. 3 વર્ષ પહેલા જ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાની સ્થાપના કરાઇ છે. લેહમાં એક સંસ્થા બની રહી છે. ગુજરાત અને રાજસ્થાન હવે આ ક્ષેત્રે કામ કરશે.

તેમણે કહ્યું કે, એલોપથી સાથે આયુર્વેદને જોડવાનો પ્રયાસ કરાયો છે. 21મી સદીનું ભારત ટુકડોમાં નહિ, પણ હોલિસ્ટીક રીતે વિચારે છે. હેલ્થ સાથે જોડાયેલ બાબતોને પણ હોલિસ્ટિક એપ્રોચથી સોલ્વ કરવામાં આવી રહી છે. પ્રિવેનટીવ હેલ્થકેર પર વેલનેસ વધુ ફોકસ કરવામાં આવી રહ્યું છે. એક તરફ સ્વચ્છ, પ્રદૂષણ, પોષણ મામલે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, તો દોઢ લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દેશના ખૂણે ખૂણે તૈયાર કરવામાં આવી રહ્યાં છે. 1250 થી વધુ સેન્ટર આયુર્વેદ સાથે જોડાયેલા છે. વેલનેસનું આ ભારતીય દર્શન દુનિયાને આકર્ષિત કરી રહ્યું છે.

આ પ્રસંગે સીએમ રૂપાણીએ પણ કહ્યું હતું કે ગુજરાત અને દેશ માટે આયુર્વેદ ક્ષેત્રે ગુજરાતને મળતી આ ભેટ ખૂબ ગર્વની વાત છે. જામનગરમાં ITRA અને રાજકોટમાં એઇમ્સ આરોગ્ય ક્ષેત્રે બે સક્ષમ સંસ્થાની ગુજરાતને ભેટ મળી છે.

(સંકેત)

Exit mobile version