- રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે લગ્નનું આયોજન કરવા માંગતા લોકો માટે રાહતના સમાચાર
- દિવસ દરમિયાન લગ્ન સમારંભ યોજવા માટે પોલીસની મંજૂરી અનિવાર્ય નથી: ગૃહ રાજ્યમંત્રી
- ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લગ્ન દરમિયાન લોકોને કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવા કરી અપીલ
ગાંધીનગર: કોરોના મહામારી વચ્ચે લગ્નનું આયોજન કરવા માંગતા લોકો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં લગ્નના આયોજન માટે પોલીસની મંજૂરી અંગે લોકો મૂંઝવણમાં હતા ત્યારે હવે પોલીસની મંજૂરીના નિયમ અંગે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે કે, દિવસ દરમિયાન લગ્ન સમારંભ યોજવા માટે પોલીસની મંજૂરી લેવાની કોઇ જરૂરિયાત રહેતી નથી. તે ઉપરાંત લગ્નમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા માટે પણ અપીલ કરી હતી.
લગ્નના આયોજન અંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, લગ્ન સમારંભો દરમિયાન બેન્ડવાજા કે વરઘોડો નહીં કાઢી શકાય. આ ઉપરાંત જે શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ છે ત્યાં રાતના સમયે લગ્ન સમારંભનું આયોજન કરી શકાશે નહીં. આ ઉપરાંત લગ્ન સ્થળની ક્ષમતાના 50 ટકા અને વધુમાં વધુ 100 લોકો હાજર રહી શકશે.
પ્રદીપસિંહે જણાવ્યું હતું કે, લગ્ન સમારંભ અંગે 24મી નવેમ્બરના રોજ જે નિયમ જાહેર કરવામાં આવ્યા હતા તેના સંદર્ભે નવી સ્પષ્ટતા કરવામાં આવી છે. લગ્ન સમારંભમાં પોલીસની મંજૂરી જરૂરી છે કે નહીં તે અંગે અનેક લોકો તરફથી પૂછપરછ કરવામાં આવી હતી જે સંદર્ભમાં આ સ્પષ્ટતા કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના નવા નિયમ પ્રમાણે લગ્ન સમારંભમાં વધારેમાં વધારે 100 લોકો હાજર રહી શકે છે. આ પહેલા જાહેર મેળાવડા અને લગ્ન સમારંભમાં 200 લોકોને છૂટ આપવામાં આવી હતી. જોકે, દિવાળી પછી કોરોનાના કેસ વધતા સરકારે લગ્નમાં 200 લોકોની મંજૂરી પરત ખેંચી હતી. જે બાદમાં અમદાવાદમાં સળંગ 57 કલાકનો કર્ફ્યૂ જાહેર કર્યો હતો. આ સાથે જ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાતના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે.
સરકારે બીજી તરફ લગ્ન સમારંભનું આયોજન કરવા માટે પોલીસ મંજૂરી ફરજીયાત કરી હતી. જો કે મોટી સંખ્યામં લોકો મંજૂરી માટે આવતા હોવાથી પોલીસ સ્ટેશનો પર કામનું ભારણ વધ્યું હતું. આ ઉપરાંત હાજર રહેનારા લોકોની યાદી અને તેમના મોબાઇલ નંબર એકત્ર કરવાનું કામ પણ આયોજક માટે કંટાળાજનક હતું. જો કે હવે આ બધા વચ્ચે સરકારની સ્પષ્ટતાથી લગ્નનું આયોજન કરનાર વ્યક્તિઓને ચોક્કસપણે રાહત મળશે.
(સંકેત)