Site icon hindi.revoi.in

અમદાવાદ: વધુ 31 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર

Social Share

અમદાવાદ: અમદાવાદ શહેરમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ 31 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. આ સાથે શહેરમાં માઇક્ર કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 224 જેટલી થઇ ગઇ છે. નવા 31 વિસ્તારના 5600 લોકોને કન્ટેઇનમેન્ટમાં રાખવામાં આવ્યા છે. આમ છેલ્લા 3 દિવસમાં 19 હજાર જેટલા લોકોને કન્ટેઇનમેન્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, શહેરમાં કુલ 203 વિસ્તારો કન્ટેઇનમેન્ટ ઝોનમાં હતા. જેમાંથી 10 વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા હતા. હવે જ્યારે નવા 31 વિસ્તારોનો માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે શહેરમાં કન્ટેઇનમેન્ટ ઝોનમાં સંખ્યા 224 પર પહોંચી છે.

બુધવારે જે 31 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે તેમાં નારોલ, વટવા, મણીનગર, બહેરામપુરા, દાણીલિમડા, ઇન્ડિયા કોલોની, જોધપુર, ગોમતીપુર, ભાઇપુરા, ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, સ્ટેડીયમ, રાણીપ, નારણપુરા, સાયન્સ સિટી, નવરંગપુરા, બોડકદેવ, ગોતા અને થલતેજનો સમાવેશ થાય છે.

શહેરમાં નવા 31 વિસ્તારોમાં રહેતા 5600 લોકોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકાયા છે અને કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અનુસાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં કડકાઇથી સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.

નોંધનીય છે કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રિક્વિઝિટ કરવામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં 1,444 બેડ ખાલી છે. આ ખાનગી હોસ્પિટલોમાં AMCના ક્વોટાના 869 બેડ હાલની સ્થિતિએ ખાલી છે, જ્યારે પ્રાઈવેટ ક્વોટાના 575 બેડ ખાલી છે. આમ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનું ભારણ ઘટતા નવા દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટેની સુવિધા મળી રહેશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

(સંકેત)

Exit mobile version