- એશિયાના સૌથી મોટા ગિરનાર રોપવેનું 9 નવેમ્બરે થઇ શકે ઉદ્વાટન
- આ બહુપ્રતિક્ષિત પ્રોજેક્ટનું મોટા ભાગનું કામ હવે પૂર્ણતાના આરે
- રોપવેમાં નિર્મિત ટ્રોલીમાં 8 લોકો બેસી શકે તેવી 25 ટ્રોલી છે
રાજકોટ: જો બધુ જ યોગ્ય રીતે પાર પડશે તો એશિયાના સૌથી મોટા રોપવે પ્રોજેક્ટ ગિરનાર રોપવેનું 9 નવેમ્બરના દિવસે ઉદ્વાટન કરવામાં આવી શકે છે. રૂ.130 કરોડના ખર્ચે નિર્મિત આ એશિયાનો સૌથી મોટો રોપ વે છે. જો કે આ અંગે હજુ સત્તાવાર માહિતી સામે આવી નથી. પરંતુ આ બહુપ્રતિક્ષિત પ્રોજેક્ટનું તમામ કામ પૂર્ણ થઇ ગયું છે અને ટૂંક સમયમાં પબ્લિક યુઝ માટે તૈયાર કરી દેવામાં આવશે તેવી સંભાવના છે.
આ અંગે જાણકારી આપતા ઉષા બેરકોના રીજનલ હેડ દીપક કાપલિશ એ જણાવ્યું કે, 2.3 કિલોમીટર લાંબા રોપવેનું અંદાજે કામ 17 ઑક્ટોબરના રોજ પૂર્ણ થઇ જશે. જો કે 9 નવેમ્બરે આઝાદી સમયના જૂનાગઢ રાજ્યનો સ્વતંત્રતા દિવસ છે. જેને લઇને જૂનાગઢના લોકોની પણ ઇચ્છા છે કે આ જ દિવસે રોપવેનું ઉદ્વાટન કરવામાં આવે. તે ઉપરાંત ગુજરાત ટુરિઝમ વિભાગ પણ આવી જ યોજના ધરાવે છે.
જો કે ટુરિઝમ કોર્પોરેશન ઑફ ગુજરાત લિ.ના મેનેજીંગ ડિરેક્ટર જેનુ દેવન અનુસાર એકવાર સરકાર પાસેથી સૂચન મળ્યા બાદ જ અમે રોપવેના ઉદ્વાટનની તારીખ જાહેર કરીશું.
ઉષા બેર્કો દ્વારા BOT આધારિત રોપવે નિર્મિત કરવામાં આવ્યું છે. જેમાં ઓસ્ટ્રિયાની કંપની Dopplemayr દ્વારા ટેકનિકલ આસિસ્ટન્ટ આપવામાં આવ્યું છે. આ રોપવેમાં 9 પીલર છે અને દૈનિક 8000 લોકોને વહન કરવાની ક્ષમતા છે.
નોંધનીય છે કે એક ટ્રોલીમાં 8 લોકો બેસી શકે તેવી 25 ટ્રોલી છે. જેના દ્વારા પ્રતિ કલાકમાં 800 લોકો ભવનાથ તળેટીથી અંબાજી સુધી પહોંચી શકશે. રોપવેને ભવનાથથી અંબાજી સુધી પહોંચવામાં 10 મિનિટ જેટલો સમય લાગશે. જ્યારે હાલ શ્રદ્ધાળુઓ અંબાજી સુધી પહોંચવા માટે 5000 જેટલા પગથીયા ચડે છે.
(સંકેત)