Site icon Revoi.in

અમદાવાદમાં 7 સપ્ટેમ્બરથી મેટ્રો ટ્રેન ફરી દોડશે, મુસાફરોએ નિયમોનું કરવું પડશે પાલન

Social Share

કોરોનાના સમયગાળામાં રૂપાણી સરકાર દ્વારા અનલોક-4ની ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. અનલોક 4ની ગાઇડલાઇન અંતર્ગત હવે સરકારી બસો બાદ મેટ્રો સેવા પણ શરૂ થવા જઇ રહી છે. 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવા પુન:શરૂ કરવામાં આવશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે, 7 સપ્ટેમ્બરથી અમદાવાદની મેટ્રો ટ્રેન સેવા સાવચેતીના પગલાં સાથે ફરી શરૂ કરવામાં આવશે.

આવું રહેશે મેટ્રોનું ટાઇમટેબલ

7 અને 8 સપ્ટેમ્બરના રોજ સવારે 11 થી 12.10 કલાક સુધી અને સાંજે 4.25 થી 5.10 કલાક સુધી ટ્રેન સેવા ચાલશે. તેમાં બધી સિસ્ટમ્સ કોરોનાના સમય માટે યોગ્ય રીતે કાર્યરત છે કે કેમ, મુસાફરો કોવિડના નિયમો, માસ્ક અને સમાજીક અંતરના ધોરણોનું પાલન કરે છે કે કેમ તેની તપાસ કરી જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે.

તા.9 થી 12 સપ્ટેમ્બરે સવારે 11 થી સાંજે 5 કલાક સુધી ટ્રેન સેવા કાર્યરત રહેશે. નીટ પરીક્ષાના દિવસે ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયને મળેલી ભલામણ અનુસાર તા.13 સપ્ટેમ્બરે મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 7થી સાંજે 7 સુધી કાર્યરત રહેશે. તા.૧૪મી સપ્ટેમ્બર પછી કોરોના સમય પુર્વ જેમ હતુ તે અનુસાર મેટ્રો ટ્રેન સેવાઓ સવારે ૧૧થી સાંજે પ-૧૦ સુધી કાર્યરત રહેશે.

મુસાફરોનું કરાશે થર્મલ સ્કેનિંગ

મેટ્રોમાં મુસાફરી દરમિયાન કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે દરેક મુસાફરોનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે. માસ્ક કે ફેસ કવર વિનાના મુસાફરોને ગુજરાત સરકારના નિયમ અનુસાર દંડ કરવામાં આવશે. મુસાફરો માટે મેટ્રો સ્ટેશન પર પગથી સંચાલિત સેનેટાઇઝર ઉપલબ્ધ રહેશે. મુસાફરોને સેનેટાઇઝ કરેલ ટોકન આપવામાં આવશે. દરેક મુસાફરી બાદ ટ્રેનને પણ સેનેટાઇઝ કરવામાં આવશે.

(સંકેત)