Site icon Revoi.in

ગુજરાત: કુલ 70.27 લાખ હેક્ટરમાં થયું ખરીફ પાકનું બમ્પર વાવેતર

Social Share

કોરોનાની મહામારી વચ્ચે પણ એક સારા સમાચાર છે. ગુજરાતમાં અત્યારસુધી 70.27 લાખ હેકટરમાં ખરીફ વાવેતર થયું છે. જે 82.87 ટકા વાવેતર થઇ ગયાનું દર્શાવે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 12.9 લાખ હેકટર વાવેતર વધુ થયું છે. ગુજરાતમાં બાજરી, મગફળી, તલ અને તુવેરનું વાવેતર પૂર્ણતાને આરે છે. ઘાસચારો અને એરંડાનું વાવેતર બાકી છે.

ગુજરાતમાં 9,56,510 હેકટરમાં ધાન્ય પાકોનું 70.71 ટકા વાવેતર થઇ ચૂક્યું છે. કઠોળ પાક 75.45 ટકા એટલે કે 3,55,830 હેક્ટરમાં થયું છે. તેલીબિયા પાકોનં 100 ટકા વાવેતર પૂર્ણ થયું છે.

સૌરાષ્ટ્રમાં વાવેતરની વાત કરીએ તો 16,55,100 હેકટરમાં મગફળી અને 15,21,900 હેકટરમાં કપાસનું બમ્પર વાવેતર થવા પામ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગર, તુવેર, કપાસનું વિપુલ વાવેતર જોવા મળી રહ્યું છે.

ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ૩,૨૨,૩૦૦ હેક્ટરમાં વાવેતર થયું છે. ત્યાર બાદ બાજરી ૧,૦૦,૩૦૦ હેક્ટર, કપાસ ૧,૯૬,૧૦૦ હેક્ટર, મકાઇ ૫૫,૪ ૦૦હેક્ટર વાવેતર થયું છે. મધ્ય ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું ૩,૩૯,૯૦૦ હેક્ટરમાં વાવેતર થયું છે.

મહત્વનું છે કે, કોરોના સંકટ વચ્ચે પણ વહેલો વરસાદ, સિંચાઇના પાણીની પૂરતી ઉપલબ્ધતા અને જમીનમાં ભેજ જળવાઇ રહેતા આ વર્ષે વિપુલ માત્રામાં ખરીફ પાકનું વાવેતર થયું છે. તે ઉપરાંત પાકની પરિસ્થિતિ પણ સારી હોવાથી હજુ સુધી રાજ્યના કોઇ પણ જીલ્લામાં પાકમાં રોગ કે જીવતાનો ઉપદ્રવ જોવા મળ્યો નથી.

(સંકેત)