Site icon hindi.revoi.in

180નાં દાવાનો ફિયાસ્કો, માત્ર 45 કિમી ઝડપે પવન ફૂંકાતા જ જૂનાગઢ રોપવે સેવા સ્થગિત કરાઇ

Social Share

જૂનાગઢ: ગિરનાર પર્વત પરની રોપ-વે સેવાને એક વિધ્ન નડ્યું છે. ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવાને થોડાક કલાક માટે બંધ કરી દેવાની નોબત આવી હતી. આ સાથે અગાઉ કરેલા 180 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાય તો પણ વાંધો ન આવે તેવા સ્ટ્રક્ચરના દાવાનો ફિયાસ્કો થયો છે. આપને જણાવી દઇએ કે ઉષા બ્રેકો કંપની દ્વારા સંચાલિત રોપ-વે સેવાને 24 ઑક્ટોબરના રોજ પીએમ મોદી દ્વારા ઉદ્વાટન સાથે શરૂ કરવામાં આવી હતી.

બીજી તરફ રોપ-વે સેવા માટે મુસાફર પાસેથી 700 રૂપિયાની ટિકિટ વસૂલાય છે જેને લઇને પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ટિકિટના આ ઉંચા ભાવના કારણે લોકોમાં રોષ છે. ટિકિટના ઉંચા ભાવના વિરોધમાં અનેક સંસ્થાઓ દ્વારા લડાઇ ચલાવાઇ રહી છે. આગામી દિવસોમાં લડત વધારે ઉગ્ર બનાવવાની માંગ થઇ રહી છે.

રોપ-વે સેવા શરૂ થવાની સાથે જ એકની બાદ એક વિધ્નો અને વિક્ષેપો આવી રહ્યા છે. અગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે રોપ-વેનું સ્ટ્રક્ચર એ પ્રકારે તૈયાર કરવામાં આવ્યું છે કે, 180 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તો પણ રોપ-વેનું સંચાલન શક્ય છે જો કે માત્ર 45 કિલોમીટરની ઝડપે જ પવન ફૂંકાવાનું શરૂ થતા રોપ-વે બંધ કરવાની ફરજ પડી હતી અને આ દાવાના ફિયાસ્કો થયો હતો.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગુરુવારે રાત્રે 11 વાગ્યાથી જ ગિરનાર પર્વત પર 45 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. પરિણામે રોપવેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીને રોપ-વેને બંધ કરવાની ફરજ પડી હતી. શુક્રવારે સવારે 9.30 વાગ્યા બાદ પવનની ઝડપ ઘટતા પ્રથમ ધીમી સ્પીડથી અને ત્યારબાદ નોર્મલ સ્પીડથી રોપવે શરૂ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે ઉષા બ્રેકો કંપની મુસાફરો પાસેથી રોપવેના ઉંચા ભાવ વસૂલી રહી છે જેને લઇને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને બીજી તરફ રોપવે મુસાફરી દરમિયાન કોઇ અકસ્માતનો બનાવ બને તો પ્રવાસીઓનાં જોખમ અને વળતર અંગે પણ કોઇ જ માહિતી આપવામાં આવી નથી.

(સંકેત)

Exit mobile version