Site icon hindi.revoi.in

સમગ્ર રાજ્યમાં ફરી લોકડાઉનની વાત માત્ર અફવા: CM વિજય રૂપાણી

Social Share

અમદાવાદ: રાજ્યમાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેરમાં હવે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવાર 6 વાગ્યા સુધી એટલે કે 60 કલાક સુધી કરફ્યૂ રહેશે. જો કે કરફ્યૂ દરમિયાન દૂધ અને દવાઓ જેવી આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. આ દરમિયાન સમગ્ર રાજ્યમાં લોકડાઉન લાગુ થાય તેવી અફવા ફેલાતા મુખ્યમંત્રી રૂપાણીએ આ મામલે સ્પષ્ટતા કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે “રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખતા અમદાવાદ શહેરમાં 60 કલાકનો કરફ્યૂ લગાડવાનો નિર્ણય લેવાયો છે. સમગ્ર રાજ્યમાં લોકડાઉન લગાડવાની વાત માત્ર અફવા છે. લોકો કોરોના સામે સાવચેતી રાખે, માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખે અને વારંવાર હાથ સ્વચ્છ રાખે. નાગરિકો અફવાથી દૂર રહે.”

રાજ્ય સરકાર દ્વારા કરફ્યૂ ઉપરાંત આગામી 23 તારીખથી શાળા-કોલેજો ફરીથી શરૂ કરવાનો નિર્ણય પણ મોકૂફ રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે શાળાઓ-કોલેજ બંધ રાખવાનો નિર્ણય હાલની સ્થિતિને જોતા કરવામાં આવ્યો છે. આગામી બેઠકમાં સમીક્ષા કરીને આગળની જાહેરાત કરીશું.

એક તરફ કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 60 કલાકના કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે ત્યારે બીજી તરફ સરકારે સ્વાસ્થ્ય સેવાઓને પણ સઘન બનાવવાની કવાયત પણ હાથ ધરી છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા અમદાવાદ શહેરની સરકારી હૉસ્પિટલોમાં કોવિડ-19ની સારવાર માટે બેડની સંખ્યા વધારવામાં આવી છે. શહેરમાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે 900 બેડ વધારવામાં આવશે જ્યારે સરકારે વધુ 300 ડૉક્ટરો અમદાવાદને ફાળવવાનો નિર્ણય કર્યો છે.

(સંકેત)

Exit mobile version