Site icon Revoi.in

અમદાવાદીઓને મળી ભેટ, એસ.જી.હાઇવે પર બે ફ્લાય ઓવરનું ગૃહમંત્રી દ્વારા ઇ-લોકાર્પણ

Social Share

અમદાવાદ: અમદાવાદમાં સૌથી વધુ ટ્રાફિકથી ભરચક રહેતા એસ જી હાઇવે પર લોકો હવે ઝડપી રીતે પરિવહન કરી શકશે. અહીંયા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા બે ફ્લાય ઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા બંને ફ્લાયઓરનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. સિંધુ ભવન અને સાણંદ ચાર રસ્તા પર એમ બે ફ્લાય ઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઇ-લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મેયર બિજલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આપને જણાવી દઇએ કે સરખેજ-ગાંધીનગર હાઇવે પર ફ્લાય ઓવરનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બે વર્ષ પહેલા ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આજે પ્રથમ તબક્કામાં બે ફ્લાય ઓવરનું લોકાર્પણ થયું છે. તો અમદાવાદ-ગાંધીનગર છ માર્ગીય રોડનું પણ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ માર્ગ પર નાગરિકો પાસેથી કોઇ ટોલની વસૂલાત કરવામાં આવશે નહીં.

આ સમારોહ દરમિયાન CM વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતે હંમેશા દૂનિયાના આધુનિક શહેરોની જે કોઈ સારી બાબતોને છે તેને અપનાવી છે,આપણે ગુજરાતને એક મોડલ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસ્તુત કરી રહ્યા છીએ. કોરોનાના કપરા કાળમાં પણ આપણે ગુજરાતના વિકાસને રુકવા દીધો નથી, ઝૂકવા દીધો નથી.

આ કાર્યક્રમને સંબોધિત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, અમદાવાદ-રાજકોટ સિક્સ લેન રોડનું પણ કામ 70 ટકા પૂર્ણ થઇ ગયું છે. 2 હજાર કરોડ રૂપિયાના ખર્ચે આ રોડનું નિર્માણ થઇ રહ્યું છે. આ સાથે જ તેમણે કહ્યું કે, 3400 કરોડના ખર્ચે 68 ઓવર બ્રિજ રેલવે ફાટકો પર બનવાના છે. આગામી ત્રણ-ચાર વર્ષમાં ગુજરાત રેલવે ફાટક મુક્ત દેશનું પ્રથમ રાજ્ય બની જશે.

નોંધનીય છે કે વર્ષ 2016-17માં માર્ગ મકાન મંત્રી નીતિન પટેલ દ્વારા બંને ફ્લાય ઓવરને મંજૂરી આપવામાં આવી હતી. તે સમયે 867 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી, જે પૈકાની અમદાવાદના બે ફ્લાયઓવર પણ હતા. એસ જી હાઇવે પર સાણંદ સર્કલ પાસે 36 કરોડના ખર્ચને ફ્લાય ઓવરનું નિર્માણ કરાયું છે, તો સિંધુ ભવન ચાર રસ્તા પાસે 35 કરોડના ખર્ચે ફ્લાય ઓવર આકાર પામ્યો છે.

(સંકેત)