Site icon Revoi.in

ગુજરાતી ફિલ્મ જગતને વધુ એક આંચકો, ગુજરાતી ફિલ્મમેકર આશિષ કક્ક્ડનું નિધન

Social Share

અમદાવાદ: મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા બંધુઓના નિધન બાદ ગુજરાતી ફિલ્મ જગતને વધુ એક આઘાત લાગ્યો છે. જાણીતા ફિલ્મ ડિરેક્ટર અને એક્ટર આશિષ કક્ક્ડનું કોલકાતામાં હાર્ટ એટેકથી નિધન થયું છે. આપને જણાવી દઇએ કે વર્ષ 2013માં આવેલી સુશાંત સિંહ રાજપૂતની ડેબ્યૂ ફિલ્મ ‘કાઇપો છે’માં પણ આશિષ ક્ક્કડે કામ કર્યું હતું. કાઇપો ફિલ્મમાં આશિષ ક્ક્કડે વિશ્વાસ નામનું પાત્ર ભજવ્યું હતું. આ ઉપરાંત દિગ્દર્શક તરીકે તેમની ફિલ્મ બેટર હાફ પણ ખૂબજ વખાણાઇ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, આશિષ ક્ક્કડ તેમના પુત્રના બર્થડેની ઉજવણી કરવા કોલકાતા ગયા હતા અને તેઓ છઠ્ઠી તારીખે અમદાવાદ પરત ફરવાના હતા. આશિષ ક્ક્કડ ઊંઘી રહ્યા હતા ત્યારે જ તેમને હૃદયરોગનો તીવ્ર હુમલો આવતા દુ:ખદ નિધન થયું હતું.

આપને જણાવી દઇએ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આશિષ ક્ક્કડે પોતાની ફિલ્મ ‘બેટર હાફ’થી નવો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. આશિષ ક્ક્કડ એક્ટરની સાથે ફિલ્મમેકર પણ હતા. તેમણે અભિનેતા તરીકે ફિલ્મ વિટામીન શી, ગોળ કેરી અને પાઘડીમાં કામ કર્યું હતું. તે ઉપરાંત ડિરેક્ટર તપન વ્યાસની ફિલ્મ પાઘડીમાં આશિષ ક્ક્કડે એક સરદારનું પાત્ર ભજવ્યું હતું. તેમણે મિશન મમ્મી નામની ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. તે ઉપરાંત તેઓએ અનેક ડોક્યુમેન્ટરી, જાહેરાતો અને ફિલ્મોમાં પણ પોતાનો વોઇસ ઓવર આપ્યો હતો.

ગુજરાતી સિનેમામાં નવો પ્રાણ ફૂંકનારા ફિલ્મ મેકર્સ આશિષ ક્ક્કડ પોતાના અવાજ માટે પણ જાણીતા હતા અને અનેક પ્રોજેક્ટમાં વોઇસ ઓવર કર્યું હતું. તેમના નિધનના સમાચાર આવતા જ ગુજરાતી ફિલ્મ જગતમાં આઘાતાની લાગણી વ્યાપી ગઇ છે. તેઓ હજુ પણ વિશ્વાસ નથી કરતા કે આશિષ ક્ક્ક્ડ હવે તેઓની વચ્ચે નથી રહ્યા.

નોંધનીય છે કે ગુજરાતી ફિલ્મ જગતને વેગવંતુ બનાવવામાં તેમનું યોગદાન મહત્વનું છે. તેમણે વર્ષ 2010માં બેટર હાફ નામની અર્બન ગુજરાતી ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ આવ્યા બાદ જાણે કે ગુજરાતી ફિલ્મ જગતમાં નવો પ્રાણ ફૂંકાયો હતો અને એક પછી એક અર્બન ગુજરાતી ફિલ્મો તૈયાર થવા લાગી હતી.

(સંકેત)