Site icon hindi.revoi.in

પેટાચૂંટણી: ગુજરાતની 8 બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ, સરેરાશ 57 ટકા મતદાન નોંધાયું, 10 નવેમ્બરે પરિણામ

Social Share

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠક માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. આ મતદાન સાંજના 6 વાગ્યે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ગયું છે. બપોર બાદ 5 વાગ્યા સુધીમાં 53.28 ટકા મતદાન થયું હતું, જેમાં સૌથી વધુ મતદાન ડાંગ બેઠક પર 70.12 ટકા થયું હતું. આજે સમગ્ર દિવસ દરમિયાન કુલ અંદાજીત 57 ટકા જેટલુ મતદાન નોંધાયું છે. રાજ્યની આ પેટાચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

કોરોના કાળ દરમિયાન પણ મતદારોમાં મતદાન માટેનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારોએ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, હાથ સ્વચ્છ રાખવા જેવી દરેક ગાઇડલાઇન્સનું પાલન કર્યું હતું અને મતદાન કર્યું હતું. જો કે મતદાનની શરૂઆત દરમિયાન કેટલાક સ્થળો પર EVMમાં ખામીની ફરિયાદ ઉઠી હતી.

કઇ બેઠક પર કોણ છે ઉમેદવાર

ગુજરાતના CM વિજય રૂપાણીએ પણ મતદારોનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે “કોરોના સંક્રમણ વચ્ચે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને મતદાન કરવું તે પવિત્ર ફરજ સમજીને ભારે મતદાન કરવા બદલ તમામ મતદારોનો આભાર માનું છું.”

તેમણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, “કોરોના સંક્રમણ વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરીને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા મતદારોનો સંપર્ક કરીને મતદાન કરાવવાની સુંદર કામગીરી કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ધન્યવાદ આપું છું.”

CM રૂપાણીને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, “સારું મતદાન એ સૂચવે છે કે, ગુજરાતના મતદારો અને લોકો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની અને રાજ્ય સરકારની કામગીરી તેમજ ભારતીય જનતા પાર્ટીની નીતિ-રીતિથી સંતુષ્ટ છે તે મતદાનના આંકડા સૂચવે છે. ભારતીય જનતા પાર્ટી તમામ 8 બેઠકો પર ભવ્ય મતોથી વિજય પ્રાપ્ત કરશે.”

આજ સવારથી જ કોંગ્રેસ દ્વારા આચારસંહિતા ભંગની અલગ અલગ ફરિયાદો કરતી રહી તો બીજી બાજુ ભાજપે કોંગ્રેસને જવાબ આપવાને બદલે ભાજપ તરફી મતદાન થાય તે માટે પ્રયત્નો કર્યા હતા.

રાજ્યના તમામ 8 બેઠકો પર ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થયા છે. છેલ્લા કેટલાક કલાકોમાં પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગત વિધાનસભાની પેટા ચૂંટણી કરતાં ઓછું મતદાન થયું છે. ધારી, લીંબડી, મોરબી, અબડાસા, કરજણ, ગઢડા, ડાંગ અને કપરાડા વિધાનસભા બેઠક પર મતદાન પૂર્ણ થયું છે.

3024 મતદાન કેન્દ્રો પર યોજાયું મતદાન

8 બેઠકો પર 3024 જેટલા મતદાન કેન્દ્રો પર મતદાન યોજાયું હતું. કુલ 81 ઉમેદવારોના ભાવી EVMમાં કેદ થયા છે. 419 માઇક્રો ઓબ્ઝર્વર અધિકારીઓ ફરજ આધીન રહ્યા. મતદાન પહેલા તમામ મતદાન કેન્દ્રોને સેનેટાઇઝ કરાયા હતા.

આજે કુલ અંદાજિત 57 ટકા જેટલુ મતદાન નોંધાયુ

ક્યાં કેટલું મતદાન નોંધાયું

ડાંગમાં સૌથી વધુ 70 ટકાથી વધુ મતદાન

કપરાડામાં અંદાજિત 68 ટકા મતદાન

કરજણમાં અંદાજિત 67 ટકા મતદાન

અબડાસામાં અંદાજિત 60 ટકા મતદાન

લીંબડીમાં અંદાજિત 58 ટકા મતદાન

મોરબીમાં અંદાજિત 53 ટકા મતદાન

ગઢડામાં અંદાજિત 50 ટકા મતદાન નોંધાયુ

ધારીમાં સૌથી ઓછુ 43 ટકા જેટલુ જ મતદાન

ઓછું મતદાન થતા ભાજપ નેતાએ ચિંતા વ્યક્ત કરી

8 બેઠકોમાંથી ધારીમાં સૌથી ઓછું મતદાન થતાં ભાજપ નેતા દિલીપ સંઘાણીએ વ્યક્ત કરી ચિંતા. કહ્યું ધારીમાં સૌથી ઓછું મતદાન એ ચિંતાની વાત, લોકશાહીના મહાપર્વમાં મતદાન થવુ જોઇએ. પરિણામ જે આવે તે પણ મતદાન વધુ થવુ જોઇએ.

લીંબડી બેઠકના કોંગ્રેસના ઉમેદવારે જીતની આશા વ્યક્ત કરી

લીંબડી બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ચેતન ખાચરે કહ્યું કે 15 હજાર મતથી અમારી જીત નક્કી છે. લીંબડી વિકાસથી વંચિત છે. ભાજપે લીંબડી બેઠકોનો વિકાસ થવા દીધો નથી. જનતા ભાજપના એકહથ્થા શાસનને જાકારો આપશે.

લીંબડી બેઠક પરના ભાજપના ઉમેદવારે પણ જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત

લીંબડી બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાએ મતદાન કર્યું હતું અને કહ્યું હતું કે ભાજપ આઠેય બેઠક પર જીતશે. કોંગ્રેસના સ્ટીંગ ઓપરેશનની કોઇ અસર નહીં થાય. કોળી મતદારો પણ ભાજપની સાથે છે. મતદારો વિકાસના મુદ્દે મતદાન કરી રહ્યા છે.

ધારી બેઠક પર ભાજપના ઉમેદવાર જે. વી. કાકડિયાએ પરિવાર સાથે મતદાન કર્યું. જે. વી. કાકડિયાના પત્ની કોકિલાબેને મતદાન બાદ કહ્યું કે ચૂંટણી પ્રચારમાં લોકોનો અપાર પ્રેમ મળ્યો છે. જે. વી. કાકડિયાએ લોકોના હિત માટે રાજીનામું આપ્યું હતુ, વિસ્તારના વિકાસ માટે રાજીનામું આપ્યું, આ ચૂંટણીમાં અમારી જીત નક્કી છે.

ડાંગ બેઠક યોજાઇ રહેલી પેટાચૂંટણીને લઇને કોંગ્રેસ ઉમેદવારે સૂર્યકાન્ત ગાવીતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગાવીતે કહ્યું કે અમે 10 હજારથી વધુ મતથી જીતીશું. ડાંગના લોકો ઉપર ચૂંટણી થોપી દેવામાં આવી છે. ડાંગના લોકો કોંગ્રેસની સાથે હતા અને રહેશે.

મોરબી બેઠક પરની પેટાચૂંટણીને લઇને સાંસદ મોહન કુંડારિયાનું નિવેદન આવ્યું છે. સાંસદે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કુંડારિયાએ કહ્યું ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત છે. 10 હજારથી વધુ મતની લીડથી ભાજપ જીતશે.

પ્રથમ વખત કોવિડની ગાઇડલાઇન્સ હેઠળ મતદાન થયું

ગુજરાતમાં પ્રથમ વખત કોવિડના નિયમો હેઠળ મતદાન થયું હતું. મતદાન પહેલા તમામ મતદાન કેન્દ્રો સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ચૂંટણી સ્ટાફ માટે 41 હજાર N95 માસ્ક, 82 હજાર ડિસ્પોઝેબલ માસ્ક અને 41 હજાર ફેસ શીલ્ડની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોનાને કારણે 3400 થર્મલ ગનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મતદારોને પણ 21 લાખ ડિસ્પોઝેબલ ગ્લવ્ઝ આપવામાં આવ્યા હતા. મતદારોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને, માસ્ક પહેરીને, હાથને સેનેટાઇઝ કરીને મતદાન કર્યું હતું.

(સંકેત)

Exit mobile version