Site icon hindi.revoi.in

ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીએ ડેટા સાયન્સનો નવો કોર્સ શરૂ કર્યો, 30 બેઠકો પર મળશે પ્રવેશ

Social Share

અમદાવાદ: પ્રવર્તમાન સમયને ડિજીટલ યુગ કહી શકાય જ્યાં મોટા ભાગે દરેક વસ્તુ હવે ડિજીટલનું સ્વરૂપ ધારણ કરી રહી છે અને કારકિર્દી ક્ષેત્રે પણ હવે ડિજીટલ દશકો આવ્યો છે ત્યારે હવે આ ડિમાન્ડને ધ્યાનમાં રાખતા ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી દ્વારા ડેટા સાયન્સનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. આ ડેટા સાયન્સ કોર્સને વિદ્યાર્થીઓનો સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે અને કોર્સમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની કતાર લાગી છે.

અહીંયા મહત્વની વાત એ છે કે આ પ્રકારનો કોર્સ શરૂ કરનાર GTU રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બની છે. નવા શરૂ કરાયેલા આ કોર્સમાં માત્ર 30 બેઠકો માટે 400 વિદ્યાર્થીઓની અરજી GTUને મળી છે. આજના ડિજીટલ યુગમાં ડેટાનું વિશેષ મહત્વ રહેલું છે. પીએમ મોદી પણ ડિજીટલ ઇન્ડિયાને પ્રાધાન્ય આપે છે. હાલમાં કોરોનાની મહામારી દરમિયાન ઓનલાઇન એજ્યુકેશનનો ટ્રેન્ડ એક અસાધારણ ટોચ પર જોવા મળી રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને જ ડેટા સાન્યસનો આ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

આ અંગે વાત કરતા GTUના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે એક સમયે વાયબ્રન્ટ ગુજરાતમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પણ ડેટા સોનાની ખાણ છે તે વાતનો ઉલ્લેખ કર્યો હતો. ડેટા જ હાલ માર્કેટની માંગ છે. આ જ બાબતને ધ્યાનમા રાખીને GTU દ્વારા આ કોર્સ શરૂ કરાયો છે. આ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને ડેટા માઇનિંગ અને ડેટા એનાલિસિસનો અભ્યાસ કરાવવામાં આવશે.

ડિજીટલના દોરમાં બીજી એક સમસ્યા સાયબર ક્રાઇમની છે અને દિન પ્રતિદીન સાયબર ક્રાઇમના બનાવો સતત વધી રહ્યા છે. હાલમાં સાયબર ક્રાઇમનો રેટ 44 ટકા વધી ગયો છે જેને જોતા સાયબર સિક્યોરિટીના કોર્સ પણ શરૂ કરવામાં આવ્યા છે.

(સંકેત)

Exit mobile version