Site icon hindi.revoi.in

આરોગ્ય વિભાગની જાહેરાત, ગુજરાતમાં ડૉક્ટરોનું દિવાળી વેકેશન રદ

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

ગાંધીનગર: એક તરફ તહેવારોની સીઝન અને બીજી તરફ શિયાળાની શરૂઆત. કોરોનાનું સંક્રમણ વધવા પાછળ આ બન્ને કારણ જવાબદાર છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસ સ્ફોટક ગતિએ વધી રહ્યા છે. આવામાં દર્દીઓને સમયસર સારવાર મળે તે આવશ્યક છે. તેથી દિવાળીમાં કોરોના સંક્રમણ ફેલાવવાની ભીતિએ તેમજ તેને અંકુશમાં રાખવા માટે આરોગ્ય વિભાગ દ્વારા તમામ કર્મચારીઓની રજા રદ કરાઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓની રજા નામંજૂર કરાઇ છે. જાહેર આરોગ્યના અધિક નિયામકનો તમામ જીલ્લા આરોગ્ય અધિકારીઓ, મેડિકલ કોલેજના ડીન અને નાયબ નિયામકોને પત્ર લખાયો છે. જે મુજબ, તહેવારોના સમયમાં સંક્રમણ વધુ ફેલાવવાના ભયને કારણે રજાઓ નામંજૂર કરવા આદેશ કર્યો છે. માત્ર માંદગીના કિસ્સામાં વૈકલ્પિક વ્યવસ્થા બાદ જ રજા મંજૂર કરવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. આદેશનું ચુસ્તપણે પાલન કરવાના પણ નિર્દેશ કરાયા છે.

અમદાવાદ સિવિલ કેમ્પસમાં અંદાજે 7000 જેટલા કર્મચારીઓની રજા રદ કરાઇ છે. દિવાળીમાં રજામાં પણ ડોક્ટર, નર્સ, ટેકનિકલ-નોન ટેકનિકલ, સફાઇ કર્મચારીઓ દર્દીઓની સેવામાં ખડેપગે હાજર રહેશે. 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં તમામ સ્વાસ્થ્યકર્મીઓ દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ રહેશે તેવું સિવિલ હોસ્પિટલના ડૉ. જે પી મોદીએ જણાવ્યું હતું.

વડોદરમાં પણ ડૉક્ટરોનું દિવાળી વેકેશન કેન્સલ

બીજી તરફ વડોદરામાં પણ ડૉક્ટરોનું દિવાળી વેકેશન કેન્સલ થયું છે. વડોદરાની SSG અને ગોત્રી હોસ્પિટલના ડૉક્ટરો દિવાળી દરમિયાન ફરજ પર હાજર રહેશે. દિવાળીમાં થતી બજારોની ભીડથી તંત્ર ચિંતિત બન્યું છે. દિવાળી બાદ કોરોના વધુ વકરવાની શક્યતા છે. જેથી તબીબોની રજા રદ કરાઇ છે.

અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા પણ ડૉક્ટરોનું લિસ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. AMA દ્વારા દિવાળીની રજાઓમાં સરળતાથી ઉપલબ્ધ રહેનાર ડૉક્ટરોનું લિસ્ટ જાહેર કરાશે. કોરોના કાળમાં દિવાળીની રજાઓમાં બહાર ફરવા જવું પણ શક્ય ના હોવાથી ડૉક્ટરો દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ રહેશે. ખાનગી પ્રેક્ટિસ કરતા ડૉક્ટરો પણ ઇમરજન્સી સર્વિસ ચાલુ રાખે તેવી પણ AMA દ્વારા અપીલ કરાઇ છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન દિવાળીમાં રજામાં સરળતાથી ઉપલબ્ધ થાય તેવા ખાનગી ડૉક્ટરોના નામ અને નંબર જાહેર કરશે.

(સંકેત)

Exit mobile version