- આ વર્ષે કોરોના સંક્રમણને કારણે જનહિતને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે લીધો નિર્ણય
- આ વર્ષે રાજ્ય કક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં યોજાય
- ખાનગી આયોજકો પણ હવે ગરબાનું આયોજન નહીં કરે તેવી સંભાવના
ગુજરાતના ખેલૈયાઓ આ વર્ષે નવરાત્રીમાં ગરબે નહીં ઝુમી શકે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા આ વર્ષે આગામી નવરાત્રી એટલે કે 17 થી 25 ઑક્ટોબર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ઉજવનારો રાજ્ય કક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમણની સ્થિતિ દિન પ્રતિદીન ચિંતાજનક બની રહી હોવાથી જન હિતાર્થે સરકારે આ પ્રજાલક્ષી નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી રૂપાણીએ જનહિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. આપને જણાવી દઇએ કે ગુજરાતમાં હાલમાં કોરોનાના કેસનો આંકડો 1.30 લાખને પાર થઇ ચૂક્યો છે. રાજ્યમાં કોરોનાથી કુલ 3396 લોકોના મોત થયા છે. રાજ્ય સરકારે નવરાત્રીના તેમના આયોજનને રદ્દ કરીને અન્ય ખાનગી આયોજકોને પણ આડકતરો ઇશારો કરીને ગરબા ના યોજવાનું જણાવી દીધું છે.
મહત્વનું છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતો રાજ્ય કક્ષાનો પરંપરાગત નવરાત્રી મહોત્સવ આ વર્ષે ઉજવવામાં આવશે નહિ.
(સંકેત)