Site icon hindi.revoi.in

ગુજરાત સરકારની મહત્વની જાહેરાત: 23મી નવેમ્બરથી રાજ્યમાં સ્કૂલો-કૉલેજો શરૂ થશે

Social Share

ગાંધીનગર: રાજ્યભરના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. રાજ્ય સરકારે દિવાળી પછી રાજ્યમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાની જાહેરાત કરી છે. આ માટે કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી SoPનું સ્કૂલ-કૉલેજો તરફથી ફરજીયાત પાલન કરવાનું રહેશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટ બેઠક બાદ આ જાહેરાત કરી હતી. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત ગણાશે નહીં. ઓનલાઇન શિક્ષણ કાર્ય પણ ચાલુ રહેશે.

શિક્ષણ મંત્રીની જાહેરાત અનુસાર 23મી નવેમ્બરમાં રાજ્યમાં ધોરણ-9થી ધોરણ-12 સુધીના વર્ગો શરૂ થશે. કૉલેજ અને યુનિવર્સિટીની વાત કરીએ તો અનુસ્નાતક કક્ષાના વર્ગો શરૂ થશે. આ ઉપરાંત સ્નાતક કક્ષાએ ફક્ત અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ થશે. આ ઉપરાંત મેડિકલ અને પેરામેડિકલના વર્ગો શરૂ થશે. ઇજનેરી શાખામાં માત્ર અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે તેમજ ITI અને પોલિટેનિકના વર્ગો શરૂ થશે.

સ્કૂલોને ઓડ-ઇવન ફોર્મ્યુલા અપનાવવાની સૂચના આપવામાં આવી છે. જે પ્રમાણે એક દિવસ એક ધોરણના વિદ્યાર્થીઓને અને બીજા દિવસે બીજા ધોરણના વિદ્યાર્થીઓને સ્કૂલ ખાતે બોલાવી શકે છે. આ ઉપરાંત એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત ગણાશે નહીં. એટલે કે જે વિદ્યાર્થીઓ સ્કૂલે આવવા ઇચ્છુક છે તે આવી શકે છે, પરંતુ તેમને ફરજ નહીં પાડવામાં આવે.

તે ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસમાં પાછળ ના રહી જાય તે માટે ઓનલાઇન અભ્યા પણ ચાલુ જ રહેશે. એટલે વિદ્યાર્થીઓ ઓનલાઇન ભણી શકે છે તેમજ સ્કૂલે જઇને પણ અભ્યાસ કરી શકે છે.

એકવાર સ્કૂલો શરૂ થયા બાદ સરકારના માર્ગદર્શિકાનું ફરજીયાતપણે પાલન કરવાનું રહેશે. સ્કૂલ શરૂ થતા પહેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું થર્મલ ગન વડે તાપમાન માપવાનું રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે તે રીતે બેસાડવા પડશે. વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં સાબુથી હાથ ધોવાની પણ વ્યવસ્થા કરવાની રહેશે. આ તમામ નિયમોનું પાલન થાય છે કે નહીં તે જોવાની જવાબદારી સ્કૂલના આચાર્યની રહેશે.

(સંકેત)

Exit mobile version