Site icon hindi.revoi.in

વીજધારકો માટે ખુશખબર! રાજ્ય સરકારે 3 મહિનાના ફ્યુઅલ ચાર્જમાં કર્યો ઘટાડો, 1.40 કરોડ વીજધારકોને મળશે ફાયદો

Social Share

વીજ ગ્રાહકો માટે ખુશખબર છે. રાજ્યના પેટ્રોલિયમ મંત્રી સૌરભ પટેલે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા ઑક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર માસના ત્રણ મહિનાના ફ્યુઅલ સર ચાર્જમાં 19 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા 2 રૂપિયા પ્રતિ યુનિટ ફ્યુઅલ ચાર્જ હતો અને હવે તેને 1 રૂપિયા 81 પૈસા કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રજા હિતમાં આ નિર્ણયથી રાજ્યના 1 કરોડ 40 લાખ જેટલા વીજધારકોને 3 મહિનામાં 356 કરોડનો ફાયદો થશે.

આ અંગે ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં વીજ વપરાશ કરતા વીજ ગ્રાહકોને સસ્તા દરે વીજળી પ્રાપ્ત થાય અને વીજ ઉત્પાદન ખર્ચનું ભારણ ગ્રાહકો પર ન પડે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો ગ્રાહકોના હિતમાં કર્યાં છે, જેના ભાગરૂપે રાજ્ય સરકાર હસ્તકની વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 19 પૈસાનો ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

વીજ વપરાશ કરતા ગ્રાહકો પાસેથી વીજ બિલમાં એનર્જી ઉપરાંત ફ્યુઅલ સરચાર્જ લેવામાં આવે છે. આ ફ્યુઅલ સરચાર્જની વસૂલાત નામદાર ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા નક્કી કરેલ ફોર્મ્યુલાના આધારે વસૂલવામાં આવે છે.

આ ત્રિમાસિક ગાળામાં ફ્યુઅલ સરચાર્જના પ્રતિ યુનિટમાં ૧૯ પૈસાનો ઘટાડો મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તા કોલસાની ઉપલબ્ધતા તેમજ સસ્તા ગેસની ઉપલબ્ધતાના કારણે થયો છે આ ઘટાડાના કારણે વીજ ગ્રાહકોને રૂપિયા ૩૫૬ કરોડની રાહત મળશે.

નોંધનીય છે કે, આ ફ્યુઅલ સરચાર્જ ઘટવાનું મુખ્ય કારણ એ છે કે, આ ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય સરકારે સસ્તા દરે ગેસ ગ્રાહકોના હિતમાં ખરીદ્યો છે અને ગેસ આધારિત વીજ ઉત્પાદન કર્યું છે, જેને લીધે વીજ ઉત્પાદન ખર્ચ ઓછું થયું છે, જેનો સીધો લાભ વીજ ગ્રાહકોને આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

(સંકેત)

Exit mobile version