- નવરાત્રિ દરમિયાન પ્રસાદબંધી અંગે રાજ્ય સરકારે કરી સ્પષ્ટતા
- મંદિરમાં પ્રસાદ બંધ પેકિંગમાં આપી શકાશે
- રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પ્રસાદને છૂટ આપવાનો લેવાયો નિર્ણય
ગાંધીનગર: આ વર્ષે કોરોનાને કારણે નવરાત્રિના આયોજન પર સરકારના પ્રતિબંધ બાદ પ્રસાદ પર પણ પાબંધીને લઇને ચર્ચાને જોર પકડ્યું હતું ત્યારે હવે નવરાત્રિમાં મંદિર અને પ્રસાદ મુદ્દે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે મંદિરમાં પ્રસાદ આપી શકાશે. કોરોના વાયરસના સંક્રમણને કારણે પ્રસાદ બંધ પેકિંગમાં આપવામાં આવે તેવી રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે.
રાજ્ય સરકારે થોડાક દિવસ પહેલા ગરબાના આયોજન પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેની સાથોસાથ નવરાત્રિ દરમિયાન પ્રસાદ વિતરણ પર પણ પાબંધી લાદી હતી, જો કે ત્યારબાદ શ્રદ્વાળુઓ અને ભક્તોમાં અસંતોષની લાગણી પ્રવર્તી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને હવે પ્રસાદ વિતરણ માટે છૂટ અપાઇ છે.
મંદિરમાં દર્શન બંધ અંગે પણ રાજ્ય સરકારે લોકો માટે સ્પષ્ટતા કરી હતી કે, સરકારે મંદિર બંધ નથી કર્યા. મંદિર બંધ કરવાનો નિર્ણય જે તે મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે.
પ્રસાદ વિતરણ અંગે માહિતી આપતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, નવરાત્રિમાં પ્રસાદ માટેની SOPમાં ફેરફાર કરી પેકેટમાં પ્રસાદની છૂટ આપવામાં આવી છે. નવરાત્રિમાં કોઇપણ મંદિરમાં સરકારે દર્શન બંધ કર્યા નથી. ભીડ ના થાય તે માટે જે તે મંદિરના ટ્રસ્ટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મંદિરમાં પ્રસાદ બંધ પેકિંગમાં આપવાનો રહેશે.
(સંકેત)