- લગ્ન સમારંભ મામલે રૂપાણી સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
- હવે લગ્નસમારંભમાં કુલ 200 લોકો હાજરી આપી શકશે
- માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ સ્વચ્છ રાખવા જેવા નિયમોનું કરવું પડશે પાલન
અમદાવાદ: લગ્ન સમારંભ મામલે રૂપાણી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેના પગલે હવે લગ્ન સમારંભમાં 200 લોકો હાજર રહી શકશે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સના પગલે રાજ્યમાં આ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકાનો અમલ આવતીકાલથી એટલે કે ત્રીજી નવેમ્બરથી કરવામાં આવશે. તે ઉપરાંત બંધ હોલમાં લગ્ન સમારંભ યોજવા પર કેટલા લોકો હાજર રહી શકશે તેની જાહેરાત કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે ગુજરાત સરકારે લગ્ન સમારંભમાં 100ને બદલે 200 લોકો હાજર રહી શકશે તેવો મહત્વનો નિર્ણય કર્યો છે. જો કે, અહીં તમામ લોકોએ માસ્ક પહેરવાનું રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવું પડશે. આ ઉપરાંત બંધ હોલ હોય તેવામાં કેસમાં હોલની કેપેસિટીના 50 ટકા સુધી લોકોને હાજર રહેવા માટે છૂટ આપવામાં આવશે.
આપને જણાવી દઇએ કે 16મી ઑક્ટોબર 2020થી રાજ્ય સરકારે તહેવારો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. જે પ્રમાણે આ વર્ષે ક્યાંય પણ નવરાત્રિના આયોજનની છૂટ આપવામાં આવી ન હતી. આ ઉપરાંત સરકારે દિવાળી, બેસતા વર્ષ નૂતન વર્ષ, સ્નેહમિલન, ભાઇબીજ, શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવાની સલાહ આપી છે.
લગ્ન પ્રસંગ બાબતે જે ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે તે પ્રમાણે સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે. થર્મલ સ્કેનર, સેનિટાઇઝર સાથે ઓક્સી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનિટાઇઝ કરવાના રહેશે. હેન્ડવોશ, સેનિટાઇઝરની સુવિધાનો તમામે ફરજીયાતપણે અમલ કરવાનો રહેશે. તે ઉપરાંત સમારંભ દરમિયાન થૂંકવા તથા પાન-મસાલાના સેવન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
(સંકેત)