- રાજ્યમાં દિવાળી બાદ શાળા-કોલેજો ખોલવા અંગે કેબિનેટ બેઠકમાં થઇ ચર્ચા
- તમામ શૈક્ષણિક સંસ્થાઓ દિવાળી બાદ ખોલવાનો નિર્ણય લેવાયો
- આ માટેનો એક્શન પ્લાન તૈયાર થયા બાદ શાળા-કોલેજ ખોલવાની તારીખ નક્કી કરાશે
ગાંધીનગર: રાજ્યમાં દિવાળી બાદ શાળાઓ અને કોલેજો ખોલવા અંગે બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટે તમામ શૈક્ષણિક સંસ્થાઓ દિવાળી બાદ ખોલવાનો નિર્ણય લીધો છે. જો કે, શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે ચર્ચા-વિચારણા કરીને વિગતવાર એજ્યુકેશન પ્લાન રજૂ કર્યા બાદ સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીઓ ફરીથી ખોલવા અંગેની તારીખ નક્કી કરવામાં આવશે.
આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓને ફરીથી ખોલવા અંગેની યોજના બનાવવાનો આદેશ આપ્યો છે. જો કે, તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. મુખ્યમંત્રીએ વિભાગોને કોવિડ-19ના ફેલાવા સામે વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્વિત કરવા વિગતવાર એક્શન પ્લાન તૈયાર કરવા જણાવ્યું છે.
ચુડાસમાએ ઉમેર્યું હતું કે, યોજનાને અંતિમ રૂપ આપવા માટે હું આગામી 2 દિવસોમાં સચિવો અને હોદ્દેદારો સાથે વિસ્તૃત ચર્ચા કરીશ. સરકારે સૈદ્વાંતિક ધોરણે કોલેજોની સાથે વર્ગ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવાનો નિર્ણય લીધો છે. હાલ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે કોઇ વિચારણા કરવામાં આવી નથી.
કોવિડ-19ને કારણે કેન્દ્ર સરકારે શાળાઓને ફરીથી ખોલવા અંગેનો નિર્ણય સંપૂર્ણ રીતે રાજ્યો પર છોડ્યા બાદ, રાજ્ય સરકારે શાળાઓને તબક્કાવાર શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
ગત મહિને ભારત સરકારના દિશાનિર્દેશો બાદ અમે પ્રાથમિક SOP તૈયાર કર્યો છે અને તેને અંતિમ રૂપ આપી રહ્યા છે. વિગતવાર ડ્રાફ્ટ ટૂંક સમયમાં સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે. દિવાળી વેકેશન બાદ, તમામ સંસ્થાઓને કેમ્પસ શિક્ષણ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું.
(સંકેત)