- ગુજરાતની આઠ વિધાનસભા બેઠક પર યોજાશે પેટાચૂંટણી
- ભાજપ બાદ કોંગ્રેસે 8માંથી 5 બેઠકો પર ઉમેદવારોના નામ કર્યા જાહેર
- અબડાસાથી શાતિલાલ સાંઘાણી તો ધારીમાં સુરેશ કોટડિયાને અપાઇ ટિકિટ
ગાંધીનગર: આગામી નવેમ્બર માસમાં ગુજરાતની 8 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ 8માંથી 5 બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસે જે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેમાં અબડાસાથી શાતિલાલ સાંઘાણી, મોરબીમાં જયંતિભાઇ પટેલ, ધારીમાં સુરેશ કોટડિયા, ગઢડાથી મોહનભાઇ સોલંકી અને કરજણમાં કિરીટસિંહ જાડેજાને ટિકિટ અપાઇ છે. જો કે કોંગ્રેસે હજુ કપરાડા, ડાંગ અને લિંબડી બેઠક પરથી ઉમેદવારો નામની જાહેરાત કરી નથી.
આપને જણાવી દઇએ કે અગાઉ ભાજપે મોરબી, ધારી, અબડાસા, ડાંગ, કરજણ, ગઢડા, કપરાડા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા હતા. આ ચૂંટણીમાં ભાજપે લિંબડી સિવાયની તમામ બેઠકોના ઉમેદવાર જાહેર કરી દીધા છે.
ભાજપે મોરબીથી બ્રિજેશ મેરજા, અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજા, કપરાડામાં જીતુ ચૌધરી, કરજણમાં અક્ષય પટેલ, ધારીમાં જે.વી. કાકડિયા, ગઢડાથી આત્મારામ પરમારને ટિકિટ આપી છે.
નોંધનીય છે કે, કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપ્યા હતા જેના પગલે આ બેઠકો ખાલી પડી છે. કપરાડામાંથી જીતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવિણ મારૂ, ધારીમાંથી જે.વી.કાકડીયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં.
(સંકેત)