- આજે ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી
- સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે
- સવારથી અઢી કલાકમાં અત્યારસુધી 10 ટકા મતદાન નોંધાયું
ગાંધીનગર: આજે ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી છે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકો ગઢડા, અબડાસા, મોરબી, ધારી, કરજણ, કપરાડા, ડાંગ, લીંબડી બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ મતદાન પ્રક્રિયા સવારે 7 વાગ્યાથી શરૂ થઇ છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આજની ચૂંટણીમાં કુલ 18.75 લાખ મતદારો ઉમેદવારોનું રાજકીય ભાવિ નક્કી કરશે. આ પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના મુખ્ય રાજકીય પક્ષોના હરીફ ઉમેદવારોની સાથે 81 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. આપને જણાવી દઇએ કે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા બાદ આ બેઠકો ખાલી પડી હતી.
ગુજરાતની આઠ બેઠકો પર સવારે સાત વાગ્યાથી કોરોના ગાઇડ લાઇન પ્રમાણે મતદાન થઇ રહ્યું છે. ત્યારે અઢી કલાકમાં અંદાજે કુલ 10 ટકા મતદાન નોંધાયુ છે. જેમા સૌથી વધુ અબડાસામાં 12 ટકા, મોરબીમાં 11 ટકા, લીંબડીમાં 11 ટકા, કરજણમાં 6 ટકા, કપરાડામાં 7 ટકા, ગઢડામાં અંદાજે 10 ટકા મતદાન જ્યારે ડાંગમાં 8 ટકા મતદાન અને ધારીમાં 6 ટકા મતદાન નોધાયુ છે.
કોરોના વાયરસની ગાઇડલાઇન્સ અનુસાર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તમામ મતદાન મથક પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અબડાસામાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય પ્રદ્યુમન જાડેજાએ જ્યારે કરજણ બેઠક પર કોંગ્રેસના કિરીટસિંહ જાડેજાએ મતદાન કર્યું છે.
કોરોના કાળમાં પેટા ચૂંટણી યોજાઇ હોવાથી મતદાન મથક પર હાજર તમામ કર્મચારીઓ માટે માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝ તેમજ ફેસ શિલ્ડની વ્યવસ્થા કરવામાં આવી હહતી અને મતદાન માટ આવતા જે મતદારોએ માસ્ક પહેયું નહીં હોય તેવા મતદારો માટે માસ્ક તથા તમામ મતદારો માટે મતદાન કરવા માટે ડિસ્પોઝેબલ હેન્ડ ગ્લોવ્ઝની વ્યવસ્થા કરવામાં આવી છે.
(સંકેત)