- ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન
- 3 નવેમ્બરે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે
- કુલ 18,75,032 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલે એટલે કે મંગળવારે મતદાન થશે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી ભાજપ-કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઇ છે. ત્યારે છેલ્લી ઘડીએ પ્રચારમાં બંને પક્ષોએ એડીચોટીનો જોર લગાવ્યો હતો. આજે ઉમેદવારો અને રાજકીય પક્ષો સભા કરીને ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં. જો કે ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. આવતીકાલે એટલે કે 3 નવેમ્બરે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે.
મતદાન વ્યવસ્થાને લઇને કેટલીક વિગતો
- 3જી સવારે મતદાન, 10મીએ મત ગણતરી
- કુલ મતદારોની સંખ્યા 18,75,032
- 1807 મતદાન સ્થળો પર મતદાન મથકો કરાયા તૈયાર
- હરીફ ઉમેદવારોની સંખ્યા 81
- 419 માઈક્રો ઓબ્ઝર્વર, 324 સેક્ટર ઓફિસર, 8 જનરલ ઓબ્ઝર્વર, 8 ખર્ચ ઓબ્ઝર્વર નિમાયા
- 900 મથકોએથી લાઈવ વેબકાસ્ટ કરાશે
- 3400થી વધુ થર્મલ ગનથી મતદારોનું ચેકિંગ
- સ્ટાફ-મતદારો માટે મોટા ફેસ શિલ્ડ, ફેસ માસ્ક, પીપીઈ કિટ્સની વ્યવસ્થા કરાઈ
આપને જણાવી દઇએ કે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠક (અબડાસા, લીંબડી, ધારી, મોરબી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા)માંથી કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ આવતીકાલે આ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આજે મતદાનના દિવસ માટેની રણનીતિને આખરી ઓપ અપાશે. જે તે મત-વિસ્તારના જાતિ-જ્ઞાતિના મહત્વના આગેવાનો સાથે બંધબારણે બેઠકો અને મતદારોને પોતાની તરફેણ મતદાન મથક સુધી લઇ જવાની રણનીતિ અમલમાં મુકાશે. મતદાનમાં ઇવીએમ અને વીવીપેટનો ઉપયોગ કરાશે, અને 10 નવેમ્બરે મત ગણતરી અને પરિણામ જાહેર થશે.
(સંકેત)