Site icon hindi.revoi.in

રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય, આગામી 5 મહિનામાં 20,000 પદો પર ભરતી કરાશે

Social Share

ગુજરાતના નોકરી શોધતા યુવાનો માટે એક સારા સમાચાર છે. ગુજરાત સરકાર દ્વારા આગામી પાંચ મહિનામાં 20,000 જેટલી ભરતીની તકો ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ જીપીએસસી-ગૌણ સેવા પસંદગી મંડળ-પંચાયત સેવા પસંદગી મંડળ, પોલીસ-સામાન્ય વહિવટ વિભાગ, શિક્ષણ વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભરતી પ્રક્રિયા અંગેના આ મહત્વપૂર્ણ આદેશો આપ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આગામી સમયમાં રાજ્યમાં યુવાનોને વ્યાપકપણે સરકારી સેવામાં નોકરીની તકો ઉપલબ્ધ થાય તે માટે મુખ્યમંત્રીના યુવા રોજગારલક્ષી અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે.

તે ઉપરાંત રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી માટેની પ્રક્રિયાઓ પૂરી થઇ ગઇ છે તેવી તમામ જગ્યાઓ સહિત 8 હજાર જગ્યાઓ માટેના નિમણૂકપત્રો તાત્કાલિક આપવા મુખ્યમંત્રી દ્વારા સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે. ભરતી માટેની જાહેરાત થઇ ગઇ છે પરંતુ પરિક્ષાની પ્રક્રિયા બાકી છે તેવી જગ્યાઓ માટે કોવિડ-19ની સ્થિતી સામાન્ય થયા બાદ આગળની પ્રક્રિયાઓ કરવા મુખ્યમંત્રીની સૂચના આપવામાં આવી છે.

મહત્વનું છે કે, રૂપાણી સરકારના આ નિર્ણય બાદ રાજ્યના 20 હજારથી વધુ યુવાનોને નોકરીની વ્યાપક તક પ્રાપ્ત થશે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં છેલ્લા 4 વર્ષમાં સવા લાખ યુવાનોને નોકરીની તકો મળી છે. રાજ્ય સરકારના આ પગલાંથી બેરોજગારીનો દર પણ ઘટશે.

(સંકેત)

Exit mobile version