– GTU દ્વારા હવે ત્રીજા તબક્કાની ઓનલાઈન પરીક્ષા યોજાશે
– જુદી-જુદી 13 શાખાઓના 8357 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું
– 21 સપ્ટેમ્બરથી પરીક્ષાઓ શરૂ થશે
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પ્રથમ બે તબક્કાની ઓનલાઇન પરીક્ષા સફળ રીતે યોજાઇ ચૂકી છે ત્યારે હવે ત્રીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષા પણ યોજાશે. જેમાં ડિપ્લોમા, UG અને PGની જુદી જુદી 13 શાખાઓના 8357 વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષા માટે નોંધણી કરાવી છે. 21 સપ્ટેમ્બરથી યોજાનાર ત્રીજા તબક્કાની પરીક્ષા 8357 પરીક્ષાર્થીઓ આપશે.
આપને જણાવી દઇએ કે 24 દેશના 153 વિદેશી અને 17 રાજ્યોના 460 ગુજરાત બહારના વિદ્યાર્થીઓએ પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. GTU ના કુલપતિ પ્રોફેસર ડો. નવીન શેઠ અને કુલ સચિવ ડો. કે.એન.ખેર એ ત્રીજા તબક્કાની ઓનલાઇન પરિક્ષા આપતા વિદ્યાર્થીઓને સંપૂર્ણ સ્વચ્છતા અને નિયમોનુસાર પરીક્ષા આપવા શુભેચ્છા પાઠવી છે.
13 શાખાના 8357 વિદ્યાર્થીઓની નોંધણી કરાવી
GTU દ્વારા પ્રથમ બે તબક્કાની ઓનલાઇન પરીક્ષાનું સફળ આયોજન પછી બાકી રહેલા વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા તેમજ ઈ-મેઈલ દ્વારા ત્રીજા તબક્કાની પણ ઓનલાઇન પરીક્ષા લેવાની માંગણી કરી હતી. GTU દ્વારા વિદ્યાર્થીઓની આ માંગણીને માન્ય રાખીને વિદ્યાર્થીઓ માટેનો હિતલક્ષી નિર્ણય કર્યો છે. જેના માટે 3જીથી 8મી સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશનની કામગીરી હાથ ધરી હતી. ત્રીજા સપ્તાહની પરીક્ષામાં GTUના ડિગ્રી, ડિપ્લોમા, એન્જિનિયરિંગ અને ફાર્મસીના અંતિમ વર્ષ અને અંતિમ સેમેસ્ટરની 13 શાખાઓમાં અભ્યાસ કરતા 8357 વિદ્યાર્થીઓની નોંધણી કરાવી છે. આ વિદ્યાર્થીઓની આગામી 21 સપ્ટેમ્બરથી ઓનલાઈન પરીક્ષા આપશે.
નોંધનીય છે કે, નોઁઘણી ન કરાવનાર બાકી રહેતા વિદ્યાર્થીઓ વિશે આગામી દિવસોમાં GTU દ્વારા વિચારણા કરવામાં આવશે. અગાઉ યુનિવર્સિટીના કુલપતિ ડો. નવીન શેઠે બાકી રહેતાં વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી. હવે આ બાકી રહેતાં વિદ્યાર્થીઓની કેવી રીતે પરીક્ષા લેવામાં આવશે. તેની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવે તેવી શક્યતા છે.
(સંકેત)