- ગિરનાર રોપ-વેના ભાડાના દરમાં હવે કરાયો ફેરફાર
- હવે જે ઘટાડો કરાયો છે તેમાં GST ભાડું પણ સમાવી લેવાયું છે
- હવે 700 રૂપિયાની ટિકિટમાં વ્યક્તિ ઉપર જઇ અને પરત આવી શકશે
જૂનાગઢ: એશિયાના સૌથી મોટા રોપ-વે પ્રોજેક્ટ ગિરનાર રોપ-વેના ઇ-લોકાર્પણ બાદ તેના તોતિંગ ભાડાને લઇને વિરોધ થયો હતો. ભાડું ઘટાડવા માટે પીએમ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત અને વિરોધ બાદ હવે રોપ-વેના ભાડામાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે, જે ઘટાડો કરવામાં આવ્યો છે તેમાં જીએસટી (GST) ભાડામાં સમાવી લેવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે ટિકિટના દર પર અલગથી જે 18 ટકા જીએસટી વસૂલ કરવામાં આવતો હતો તે હવે ટિકિટના દરમાં જ આવી જશે.
આ રહેશે ટિકિટના નવા દર
હવે ટિકિટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નવી જાહેરાત પ્રમાણે પુખ્ત વયની વ્યક્તિ માટેની ટિકિટની કિંમત 700 રૂપિયા હશે. આ માટે અલગથી જીએસટીની ચૂકવણી નહીં કરવી પડે. 700 રૂપિયાની ટિકિટમાં વ્યક્તિ ઉપર જઇ અને પરત આવી શકશે. જ્યારે બાળકો માટે આવવા અને જવાના ટિકિટની કિંમત જીએસટી સહિત 350 રૂપિયા રહેશે. જો કોઇ વ્યક્તિએ એક તરફની મુસાફરી કરવી હશે તો તેમણે આ માટે જીએસટી સહિત 400 રૂપિયા ચૂકવવા પડશે.
પહેલા આટલા હતા ટિકિટના દરો
આપને જણાવી દઇએ કે પહેલા ટિકિટનો દર 700 રૂપિયા ઉપરાંત 18 ટકા જીએસટી હતો. બાળકોની ટિકિટ 350 રૂપિયા ઉપરાંત 18 ટકા જીએસટી હતો. કન્શેસન ટિકિટનો દર પણ 400 રૂપિયા ઉપરાંત 18 ટકા જીએસટી હતો.
તે ઉપરાંત પાંચ વર્ષ સુધીના બાળકોની કોઇ જ ટિકિટ લેવાની નહીં રહે. બાળકોની ટિકિટમાં પાંચથી 10 વર્ષની વચ્ચેના બાળકોનો સમાવેશ થશે. 10 વર્ષથી વધુની ઉંમરના બાળકોએ ફૂલ ટિકિટ લેવાની રહેશે. દિવ્યાંગ તેમજ ડિફેન્સ વ્યક્તિઓને ટિકિટમાં કન્સેશન મળશે, આ માટે આઇડી કાર્ડ દર્શાવવું ફરજીયાત રહેશે. ટિકિટ જે દિવસે ખરીદશે તે જ દિવસે માન્ય રહેશે. એક વખતની ટિકિટ ખરીદી કર્યા બાદ રિફંડ નહીં મળે.
(સંકેત)