- દેશમાં અનલોક 4 દરમિયાન આપવામાં આવી અનેક છૂટછાટો
- હવે અમદાવાદમાં 5 સપ્ટેમ્બરથી તમામ ગાર્ડનો ખુલ્લા મુકાશે
- ગાર્ડનની મુલાકાત લેનારે કોવિડ-19ની ગાઇડલાઇન્સનું કરવું પડશે પાલન
અમદાવાદમાં હવે તમે ગાર્ડનમાં પણ ફરવા જઇ શકશો. લોકડાઉન બાદ હવે અનલોક 4 ની શરૂઆત થઇ છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 સપ્ટેમ્બરથી શહેરના તમામ ગાર્ડન જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે. જો કે ગાર્ડનની મુલાકાત લેનારાઓ લોકોએ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. નિયમોનુસાર લોકોએ માસ્ક ફરજીયાતપણે પહેરવું પડશે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવવું પડશે.
આપને જણાવી દઇએ કે માર્ચ મહિનામાં લોકડાઉન લાગૂ થયા બાદ તમામ જાહેર સ્થળોની મુલાકાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ગાર્ડન પણ બંધ કરવામાં આવ્યા હતા. હવે ગાર્ડન 5 મહિના પછી ખુલવાના છે ત્યારે શહેરના તમામ ગાર્ડનમાં સાફ સફાઇ શરૂ કરી દેવામાં આવી છે. તમામ ગાર્ડનને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત વૃક્ષો અને છોડનું ટ્રીમિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
કોરોનાની મહામારી ચાલી રહી છે તેથી સંક્રમણથી બચી શકાય તે માટે ગાર્ડનની મુલાકાત લેનારા દરેક વ્યક્તિઓએ કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે. ગાર્ડનમાં ગંદકી ના કરવાનું પણ સૂચન છે.
જે લોકો ગાર્ડનની મુલાકાત દરમિયાન કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન નહીં કરે તેની વિરુદ્વ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. સામાન્ય દિવસોમાં પણ ગાર્ડન ખુલ્લા રહેશે. ગાર્ડન ઓપન થયા બાદ 10 દિવસ મોનિટરિંગ કરવામાં આવશે અને ત્યાર બાદ રિવ્યૂ મિટિંગમાં તે અંગે ચર્ચા કરવામાં આવશે.
(સંકેત)