
બાળકોને સંસ્કૃત સંસ્કૃતના માધ્યમથી શીખવવું જોઈએ: અંજુ શર્મા
- સંસ્કૃત ભારતી ગુજરાત દ્વારા ફેસબૂકના માધ્યમથી મનોવાણી કાર્યક્રમનું આયોજન
- આ શૃંખલામાં ગુજરાત સરકારના શિક્ષણ સચિવ અંજુ શર્માએ આપ્યું વકતવ્ય
- સંસ્કૃત ભારતીય ભાષાઓની જનની છે: અંજુ શર્મા
સંસ્કૃત ભારતી ગુજરાત દ્વારા ફેસબુક પર મનોવાણી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ મંચ પરથી ગુજરાતના પ્રતિષ્ઠિત ધર્માચાર્યો, વિભિન્ન વિશ્વવિદ્યાલયના સંસ્કૃતાભિમાની કુલપતિશ્રીઓ સંસ્કૃત જગત સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધ્યાપકો અને સંસ્કૃત અનુરાગી લોકોને સંબોધિત કરે છે.
આ શૃંખલામાં ગુજરાત સરકારના શિક્ષણ સચિવ શ્રીમતી અંજુ શર્માએ પોતાના મનની વાત કરતા અષ્ટાવક્ર ગીતા માં વર્ણવાયેલ જીવનમૂલ્યો ક્ષમા, કરૃણા, આર્જવ, સંતોષ અને સત્યનું મહત્વ સમજાવ્યું હતું.
સંસ્કૃત ભાષાનું મહત્વ ઉજાગર કરતાં તેમણે જણાવ્યું હતું કે “સંસ્કૃત ભારતીય ભાષાઓની જનની છે. સનાતન જ્ઞાન પરંપરા સંસ્કૃતમાં જળવાયેલી છે. હું સંસ્કૃત અંગ્રેજી માધ્યમથી શીખી છું. જો સંસ્કૃત માધ્યમથી શીખી હોત તો જીવનમૂલ્યોની આ વાત વધારે સારી રીતે મૂકી શકતી. પોતાના મનની વ્યથા વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે હું સંસ્કૃત સંસ્કૃત માધ્યમમાં શીખી નથી તેનો અભાવ મહેસુસ કરું છું. આવનારી પેઢી આ અભાવ મહેસૂસ ન કરે એટલા માટે બચપણથી જ સંસ્કૃતને સંસ્કૃત માધ્યમમાં શીખવું જોઈએ.”
તેમણે પ્રશ્ન ઉપસ્થિત કરતાં જણાવ્યું હતું કે જો હિન્દી, અંગ્રેજી, ફ્રેન્ચ અને અન્ય ભાષાઓ જે તે માધ્યમમાં શીખવવામાં આવતી હોય તો સંસ્કૃત સંસ્કૃત માધ્યમથી કેમ નહીં?
સંસ્કૃત ભારતીને અભિનંદન આપતા જણાવ્યું હતું કે સંસ્કૃત ભારતી સંસ્કૃતને જનસામાન્ય સુધી પહોંચાડવાના કાર્યમાં લાગેલી છે, તેની હું સરાહના કરું છું. હું માનું છું કે હજુ પણ આ કાર્યને વધારે ગતિ આપવાની જરૂર છે. આ ભગીરથ કાર્યમાં હું હંમેશા મારો સહયોગ આપતી રહીશ.
(સંકેત)